ખંભાળિયાના શહેરના પાદરમાંથી પસાર થતી ઘી નદીના અત્રે ખામનાથ મંદિર પાસે આવેલા વર્ષો જૂના ચેક ડેમના પાટિયામાં કોઈ તત્વો ગત સાંજે ગાબડું પાડી જતા ચેકડેમમાં સંગ્રહિત થયેલું પાણી ફુવારા સાથે વહેવા લાગ્યું હતું. જાે કે, આ સ્થળે રહેલું બંધ અને ગંદુ પાણી ફીણ સાથે વહેવા લાગતા આ બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનને જાણ કરવામાં આવી હતી. આ બનાવ બનતા પાલિકા સત્તાવાહકો આ સ્થળે દોડી ગયા હતા અને રૂબરૂ મુલાકાત લઈને આ બાબતે પોલીસ ફરિયાદ કરવા પાલિકા ઇજનેરને આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ચેકડેમ ઉપરના પાટીયા વારંવાર કોઈ તત્વો દ્વારા તોડી નખાતા હોય, થોડા વર્ષો પહેલા નગરપાલિકાના તત્કાલીન વોટર વર્કસ ઈજનેર સ્વ. મુકેશભાઈ જાની દ્વારા આ પાટીયાને કોંક્રીટથી ચણી દેવામાં આવ્યા હતા. તેમ છતાં પણ તેમાં ગઈકાલે કોઈ ગાબડું પાડી ગયાનો બનાવ બનતા આવા અસામાજીક તત્વો સામે પોલીસ ફરિયાદ તથા જરૂરી પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.