માંગરોળનાં મકતુપુર ગામે વીજ ધાંધીયા, ગ્રામજનોએ કચેરીએ પહોંચી હંગામો મચાવ્યો

0

માંગરોળ તાલુકાના મક્તુપુર ગામે છેલ્લા કેટલાય સમયથી અસહ્ય વિજ ધાંધીયાથી ત્રસ્ત ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીએ હંગામો મચાવ્યો હતો. લોકોએ કચેરીની લાઈટો બંધ કરી અધિકારીઓ, કર્મચારીઓને કાળઝાળ ગરમીનો અનુભવ કરાવ્યો હતો ! મક્તુપુર ગામને હાલ શીલ જ્યોતિગ્રામ ૬૬ કે.વી.માંથી વિજ પુરવઠો આપવામાં આવે છે. પરંતુ વારંવાર વિજ ધાંધયાને લીધે ગ્રામજનોએ લોએજ ગામ ખાતે અલગ ૬૬ કે.વી. સબસ્ટેશન ઊભું કરી તેમાંથી જાેડાણ આપવા માંગણી કરી હતી. જે દોઢેક વર્ષથી મંજુર પણ થયું છે. દરમ્યાન છેલ્લા લાંબા સમયથી બેફામ વિજ ધાંધીયાથી મહીલાઓ, બાળકો, મજુર વર્ગની હાલત કફોડી બની છે. અનિયમિત અને અપુરતા વિજ પુરવઠાના મુદ્દે પંચાયતના હોદેદારોએ અગાઉ અનેકવાર મૌખિક, લેખિત રજૂઆતો પણ કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ દિવસમાં દસ, બાર વખત લાઈટની આવ-જાવ થાય છે. રાત્રીના પણ આજ સ્થિતિ રહેતા લોકો ઊંઘી શક્તા નથી. હાલમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગઈકાલે સવારથી રાત સુધી લાઈટ બંધ રહેતા ગ્રામજનો સહનશક્તિ ખુટતા વિજતંત્ર સામે આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. દરમ્યાન ગઈકાલે સરપંચ રામજીભાઈ અખીયા, પૂર્વ સરપંચ નારણભાઈ વાજા, તાલુકાપંચાયત સદસ્ય બાલુભાઈ કોડીયાતર, ઉપસરપંચ કાનજીભાઈ ગરેજા, તાલુકા કિસાન મોરચા પ્રમુખ સુદાભાઈ કોડીયાતર, ભરતભાઈ પરમાર, પુનમબેન ગરેજા સહિતના ગ્રામપંચાયત સદસ્યો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ વીજકચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી. રોજબરોજ લાઈટના પ્રશ્ને પારાવાર હાલાકી ભોગવતા અને રોષે ભરાયેલા લોકોએ કચેરીની લાઈટ બંધ કરી સખત ગરમીમાં લાઈટ વિના શું હાલત થાય છે ? તેનો અધિકારીઓ, કર્મચારીઓને અહેસાસ કરાવ્યો હતો. ગ્રામજનોના રોષને પારખી વિજ કચેરીએ પોલીસ બોલાવવી પડી હતી. આખરે પાંચ દિવસમાં મેઈન્ટેનન્સની કામગીરી કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની અધિકારીઓએ બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

error: Content is protected !!