યોગ એ મનની શાંતિ માટેનું પહેલું પગથિયું છે : કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા

0

વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ ‘‘Yoga for Humanity’ એટલે કે ‘માનવતા માટે યોગ’ની થીમ ઉપર આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આ યોગ સપ્તાહના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ તેમજ પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દબદબાભેર કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જેમાં શિશુ સંજીવની પોષાહાર તેમજ ગોબર ગેસ સ્લરી આધારિત ખાતરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તેમજ સર્વે મહાનુભાવો અને ખેડૂતોએ યોગ કર્યા હતાં તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મૂકબધીર યુવક અપૂર્વ ઓમ ચૌહાણે ૨૧ સૂર્યનમસ્કાર કરી ઉપસ્થિત સર્વેનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. “પૌષ્ટિક ભોજન યોગાચાર, સ્વસ્થ શરીર કા આધાર”ની થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીએ યોગનું મહત્વ સમજાવ્યું હતું અને કહ્યું કે, હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે, આદિયોગી એવા ભગવાન સોમનાથના સાન્નિધ્યમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિનો ભાગ એવા યોગ અને આયુર્વેદ હવે વિશ્વમાન્ય બન્યા છે. તેમણે યોગ કર્મેષુ કૌશલમનો મહિમા સમજાવતાં ઉત્તમ પ્રકારે કાર્ય કરવાની શક્તિને યોગ ગણાવી હતી અને યોગને દૈનિક રીતે જીવનનો ભાગ બનાવવા ભારપૂર્વક અપીલ કરી હતી અને સમજાવ્યું કે, આદિયોગી ભગવાન શિવના જીવનમાંથી પ્રેરણા લઈએ અને યોગ કરી જીવનને સાર્થક બનાવીએ કારણ કે યોગ એ મનની શાંતિ માટેનું પહેલું પગથિયું છે. તદુપરાંત ‘શિશુ સંજીવની પોષાહાર’નું મહત્વ સમજાવતા કુપોષિત બાળકને સુપોષિત બનાવવાના હેતુની અગત્યતા સમજાવી અને છાણમાંથી બનતા ખાતરનો ઉલ્લેખ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાકૃતિક ખેતી તરફ દેશને વાળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે ધરતીમાતાને સુપોષિત કરવા પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યોગનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો છે. કોરોના મહામારી સમયે પણ યોગ ખૂબ જ ઉપયોગી બન્યા હતાં. યોગ એ આપણાં ઋષિમુનીઓની પરંપરા રહી છે. યોગ દિવસ દ્વારા દુનિયાને સ્વસ્થતા તરફ દિશા આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.
આણંદ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધ્યક્ષ મીનેશ શાહ અને પશુપાલન અને ડેરી ભારત સરકારના સચિવ અતુલ ચતુર્વેદીએ પણ પોતાના સંબોધનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું તો આભારવિધિ ભારત સરકારના પશુપાલન અને ડેરી સંયુક્ત સચિવ જી.એન.સિંઘે કરી હતી. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટડાઉન કાર્યક્રમમાં સરકારના રાજ્યકક્ષા પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, જીસીએમએમએફના અધ્યક્ષ શામળભાઈ બી. પટેલ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે તેમજ વિવિધ ડેરીના બોર્ડ મેમ્બર્સ તેમજ ખેડૂતો અને સામાન્ય લોકોએ પણ બહોળી સંખ્યામાં સામાન્ય યોગ અભ્યાસ સત્રમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

error: Content is protected !!