પાવાગઢ મંદિરના શિખર ઉપર કળશ તેમજ ધ્વજદંડને સોનાથી મઢવામાં આવ્યા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી હતી. સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન પાવાગઢ પહોંચ્યા હતા અને જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જાેડાયેલો છે. આવો જાણીએ કેવી રીતે આ સમગ્ર કામગીરી પાર પાડીને ઇતિહાસને બદલનારા વિકાસયજ્ઞને વેગ આપવામાં આવ્યો હતો. પંદરમી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ ૫ સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરી મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો, ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત્‌ રાખીને સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે. માતાજીના જૂના મંદિરમાં જ્યાં શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરી નવું શિખર બનાવવામાં આવ્યું છે, જેના ઉપર ધ્વજદંડક પૂર્નઃસ્થાપિત કરવામાં આવ્યો છે. હાલ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ મંદિરના પહેલાના જૂના અને ઉબડખાબડ પગથિયાની જગ્યાએ મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માંચીથી રોપ-વેના અપરસ્ટેશન સુધી ૨૨૦૦ પગથિયા અને અપરસ્ટેશનથી દૂધિયા તળાવ થઈને માતાજીના મંદિર સુધીના ૫૦૦ પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય અંદાજિત રૂપિયા ૧૨ કરોડના ખર્ચે ટ્રસ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. તો મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસકામો માટે કરવામાં આવેલ અંદાજિત રૂપિયા૧૨૫ કરોડના ખર્ચ પૈકી ૭૦ ટકા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને ૩૦ ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
અતિથિગૃહ અને મલ્ટી-લેવલ પાર્કિંગનું પણ થશે નિર્માણ
આગામી સમયમાં યજ્ઞશાળા દૂધિયા તળાવ પાસે બૃહદ ભોજનશાળા અને પ્રવાસીઓના રાત્રિ રોકાણ માટેની ભક્તિનિવાસ સુવિધાઓ તેમજ છાસિયા તળાવ પાસેથી સીધી જ માતાજીના મંદિર સુધી પહોંચાડતી બે મોટી લિફ્ટ ઊભી કરવામાં આવશે. સાથે જ પાવાગઢ પર્વત ઉપર માતાજીના મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જાેડતો પ્રદક્ષિણાપથ તૈયાર કરવામાં આવશે. માંચી પાસે અતિથિગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે. આજુબાજુમાં પર્વત ઉપર વનવિભાગના સહયોગથી મોટાપાયે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરાશે.

error: Content is protected !!