જૂનાગઢના ભેંસાણમાં આવેલા પસવાડા ગામના સરપંચ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પસવાડા ગામમાં દારૂના કારણે છેલ્લા કેટલાક સમયથી લોકોના મોત થતા ગામની મહિલાઓ વિધવા બની ગઈ છે. જેને લઈને પસવાડા ગામના સરપંચે દારૂબંધી માટે અનોખો રસ્તો અપનાવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલીક જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેંચાતો હોય છે. અનેક પ્રયાસો છતાં યુવાઓ આ નશામાં ડૂબતા જાેવા મળે છે. આ બધાની વચ્ચે જૂનાગઢના ભેંસાણમાં આવેલા પસવાડાના સરપંચ દ્વારા દારૂબંધી કરવા માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. સરપંચે આખા ગામમાં ઢોલ વગાડીને દારૂ બનાવતા અને દારૂ વેચનારા લોકોને સુધરી જવાની ચેતવણી આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢથી આશરે ૪૦ કિમી દૂર આવેલા પસવાળા ગામમાં ૭૦૦ લોકોની વસતિ રહે છે. જેમાંથી મોટાભાગના લોકો દારૂનું સેવન કરે છે. ગામમાં અનેક જગ્યાઓ ઉપર દારૂનું વેંચાણ કરવામાં આવે છે. છેલ્લા થોડા સમયમાં ગામમાં દારૂનું દૂષણ ફેલાતા ૧૫ થી ૨૨ મહિલાઓ વિધવા બની ગઈ છે. જેથી કરીને ગામના સરપંચ કડક પગલા લેવા મજબૂર બન્યા હતા. ત્યારે સરપંચ દ્વારા દારૂબંધીનો ઢંઢેરો પીટતો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ફરતો કર્યો છે. જેને હાલ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. ત્યારે સરપંચ દ્વારા દારૂબંધીને રોકવાના આ નવતર પ્રયાસને લોકો દ્વારા પણ ખૂબ સમર્થન આપવામાં આવી રહ્યું છે. વીડિયોમાં ઢોલ વગાડીને ઢોલી કહે છે કે, સાંભળો, સાંભળો, સાંભળો, પસવાડા ગામના સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈએ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહી. જાે કોઈ દારૂ પીશે કે દારૂ પાડશે તો સરપંચ તેના વિરૂદ્વ કડક કાર્યવાહી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વીડિયો વાયરલ થતા જૂનાગઢ જિલ્લામાં કેવી દારૂબંધી છે તેને લઈને જૂનાગઢ પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી રહી છે તે સામે આવી રહ્યું છે. તેમજ આ દારૂ કેવી રીતે લાવવામાં આવેલ અને વેંચાણ કરવામાં આવે છે તેને લઈને પણ કેટલાક સવાલો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.