હાલના સાંપ્રત સમયમાં દીકરા-દીકરીના લગ્ન બાદ સંબંધો બગડવાના કિસ્સાઓ અને ત્યારબાદ બંને કુટુંબના મોભીઓ દ્વારા કાવાદાવા કરીને કોર્ટમાં કેસો કરી, દીકરા દીકરીઓના જીવનને બરબાદ કરવાના કિસ્સાઓ વધતા જાય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા દીકરીના કુટુંબીજનોના અહમ અને ખેંચાખેંચીના કારણે કોર્ટ મેટર થતા, આ વિવાદ બહુ લાંબો ચાલે છે અને સરવાળે દીકરા દીકરીનો યુવાનીનો સમય વેડફાય છે અને બંને કુટુંબ ડિસ્ટર્બ રહે છે. ઘણીવાર આવા કિસ્સામાં કેસો પંદર વીસ વર્ષ ચાલે છે અને બંને કુટુંબના મોભીના અહમના કારણે દીકરા દીકરીના બીજીવાર લગ્ન થઈ શકતા નથી અને જિંદગી બરબાદ થઈ જાય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે તો, બંને કુટુંબનો પ્રશ્ન સોલ્વ થાય છે અને દીકરા દીકરીના ભવિષ્યના જીવન સુધરી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ શહેરમાં સામે આવ્યો છે.
જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરી કરી, રીટાયર્ડ જીવન ગુજારતા ૬૨ વર્ષીય સિનિયર સીટીઝનએ પોતાની પત્ની, દીકરી અને એડવોકેટની સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાની દીકરીના બે ત્રણ વર્ષ પહેલા પોતાની જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરેલ હતા. પોતાની દીકરીનો ઘર સંસાર થોડો સમય બરાબર ચાલ્યો હતો, બાદમાં સાસરિયા તરફથી હેરાનગતિ થતા, વિચિત્ર આક્ષેપો અને અસહ્ય ત્રાસ વધતા, બે એક વર્ષથી ના છૂટકે પોતાના પિયરમાં પોતાના ઘરે લઈ આવ્યા હતા. પોતાની દીકરીના કોઈ સાસરિયા પક્ષ ત્યારબાદ તેડવા આવેલ નથી અને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. અસહ્ય ત્રાસ અને સાસરિયાના વર્તન આધારે અમે અમારી દીકરીને તેના સસરાના ઘરે મોકલી શકીએ એમ નથી, ઘર સંસાર ચાલે એમ ના હોય, ખર્ચ અને સ્ત્રી ધન પરત આપવા તથા છૂટાછેડા આપવા માટે સમાજના આગેવાનોની હાજરીમાં ત્રણ ચાર મીટીંગો કરી, પરંતુ દીકરીના સાસરિયાં એક ના બે ના થતા હોય, પોલીસ દ્વારા મદદ કરવા બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ કિરણબેન કરમટા, સ્ટાફના હે.કો. ગીતાબેન સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે બંને પક્ષોને પોલીસની ભાષામાં સમજાવતા, બંને પક્ષોને રૂપિયા કરતાં પોતાના સંતાનોની જિંદગી કિંમતી હોવાનું, હાલના બંને દીકરા દીકરીનો જીવનનો અમૂલ્ય સમય વેડફાતા હોવાનું, બે પાંચ લાખ રૂપિયા રળતા કમાઈ લેવાની તેમજ બંને કુટુંબના અહમમાં દીકરા દીકરીની અમૂલ્ય જિંદગી બરબાદ થતું હોવાનું સમજાવી, બંને પક્ષોને બાંધછોડ કરી, ર્નિણય લેવાની સમજણ આપતા, બંને કુટુંબને પોલીસની વાત ગળે ઉતરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા મધ્યસ્થી થઈને સમજાવતા, અરજદાર સિનિયર સિટીઝનની દીકરીને સ્ત્રી ધન પરત આપવા તથા ખર્ચ પેટે બને પક્ષે રકમ નક્કી કરી, છૂટાછેડા આપવા બને પક્ષો તૈયાર થઈ ગયેલ હતા. બંને પક્ષો રાજીખુશથી છૂટા પડ્યા અંગેનું અરજદાર તથા સાસરિયા પક્ષે, નોટરી લખાણ પણ કરી દેવામાં આવેલ હતું. સમાવાળા સાસરિયા પક્ષ પણ પોલીસની મધ્યસ્થી દ્વારા સાચી સમજણ આપતા, ખુશ થયો હતો. વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદાર તથા સાસરિયા પક્ષ દ્વારા પોતાના સમાજના આગેવાનો દ્વારા ત્રણ ચાર મીટીંગો બાદ નિવેડો નહિ આવેલ પ્રશ્નને મધ્યસ્થી થઈને નિકાલ કરાવતા બને પક્ષો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર અને સામાવાળાને હવેથી તકેદારી રાખી, દીકરા દીકરી બંને સુખી થાય તેવા પ્રયત્નો કરવા વિનંતી કરવામાં આવેલ હતી. અરજદાર અને સામાવાળાને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના સંતાનોની જિંદગી બગડતી અટકાવવા મધ્યસ્થી કરી, સમજાવી, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર સામાવાળા દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના સંતાનોની જિંદગીના ઘણા વર્ષ હાથમાંથી જતા રહેત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, મહિલા પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અરજદાર તથા સામાવાળાને સામજિક પ્રશ્નમાં મદદ કરી, સુખદ અંત લાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.