ગીતાબેન મુનાભાઇ સોલંકી જૂનાગઢ ખાતે રહેતા હોય અને ભવનાથ વિસ્તારમાં ચકડોળ ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોય તા.૧૪-૬-૨૦૨૨ના રોજ જૂનાગઢ કાળવા વિસ્તારથી પોતે ભવનાથમાં જવા માટે ચકડોળ ચલાવવા માટે રૂા.૫,૦૦૦/-ની કિંમતની ઇલેકટ્રીક બેટરી સાથે ઓટો રીક્ષામાં બેઠેલ, જે ઇલેકટ્રીક બેટરી ઓટો રીક્ષામાંથી ઉતરતા સમયે ભુલી ગયેલ, જે ઇલેકટ્રીક બેટરીઓ ભવિષ્યમાં મળવી મુશ્કેલ હોય, તે અને તેમના પરીવારના સભ્યો વ્યથિત થઈ ગયેલ હતા. ગીતાબેન દ્વારા આ બાબતની જાણ ભવનાથ પો.સ્ટે.ના પી.એસ.આઇ. એમ.સી. ચુડાસમાને કરતા પી.એસ.આઇ. એમ.સી. ચુડાસમા દ્વરા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા અને ભવનાથ પો.સ્ટે. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પો.સ્ટે.ના પી.એસ.આઇ. એમ.સી. ચુડાસમા, પો.કોન્સ. રાજુભાઈ ગળચર, સંદીપભાઈ વાઢીયા તથા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, જીતુસિંહ ઝુંઝીયા, એન્જીનીયર નીતલબેન મહેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ગીતાબેન જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગીતાબેન જૂનાગઢ કાળવાથી ઓટો રીક્ષામાં બેઠેલ તે ઓટો રીક્ષાને ટ્રેક કરતા ઓટો રીક્ષા ગીરનાર દરવાજા તથા ભવનાથ વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં નજરે પડેલ હતા. સીસીટીવી કેમેરામાં ગીતાબેન ઓટો રીક્ષામાંથી ઉતરતા સમયે પોતાની ઇલેકટ્રીક બેટરીઓ ઓટો રીક્ષામાં જ ભુલી ગયાનું ધ્યાને આવેલ હતું. સીસીટીવી ફૂટેજ દ્વારા તે ઓટો રીક્ષાનો નંબર જીજે-૧૧-ટીટી-૭૮૨૯ શોધી કાઢવામાં આવેલ હતી. તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલક નરેશભાઇ હાદાભાઇ મુછડીયા હોવાનું શોધી કાઢવામાં આવેલ હતું. રીક્ષા ચાલકને જૂનાગઢ પોલીસ દ્વારા શોધી પૂછપરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્જર સામાન ભુલી ગયાનું ધ્યાને આવેલ પરંતુ આ સામાન કોનો છે ? તે તેમને ખ્યાલ ના હતો. જૂનાગઢ પોલીસ દ્વારા ગીતાબેનની રૂા.૫,૦૦૦/-ની કિંમતની ઇલેકટ્રીક બેટરીઓ સહી સલામત પરત કરેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાની ખોવાયેલ ઇલેકટ્રીક બેટરીઓ સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ગીતાબેન દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) અને ભવનાથ પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગીતાબેનની રૂા.૫,૦૦૦/-ની કિંમતની ગુમ થયેલ ઇલેકટ્રીક બેટરીઓ ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.