જૂનાગઢ શહેરમાં કૈલાશ હર્બલ નામની દુકાનમાં આયુર્વેદિક દવાના નામે નશો કરાવતા બાર ઉપર એસઓજી પોલીસ ત્રાટકી હતી અને દુકાનનાં માલિક, મેનેજર તેમજ આ જગ્યાએ નશો કરવા આવેલા આઠ વ્યકિતઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે એસઓજી પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહિલ તથા પીએસઆઈ જે.એમ. વાળા અને સ્ટાફ દ્વારા સઘન કાર્યવાહી થઈ રહી છે. આ દરમ્યાન એસઓજીનાં એએસઆઈ પી.એમ. ભારાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેરને ચોક્કસ બાતમી મળેલ કે, જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ દ્વારીકા પ્લાઝા-રમાં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ કૈલાસ હર્બલ નામની દુકાનમાં ગેરકાયદેસર આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવાનાં નામે નશો કરવા ‘બાર’ જેવી સુવિધાઓ ઉભી કરી, આયુર્વેદિક બોટલો, સ્ટ્રોંગ સોડા, જરૂરી ખાદ્ય સામગ્રી સહિતની સુવિધાઓ પુરી પાડી નશાનો કારોબાર ચલાવે છે. જેથી તુરત જ આ જગ્યાએ રેઈડ કરતા આયુર્વેદિક દવાની કુલ ૩૪૦ બોટલ કિંમત રૂા.પ૦,૩૧૯નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. દુકાનનાં માલિક તથા મેનેજર વિજયભાઈ હરકિશનભાઈ ગહેનાણી (ઉ.વ.૩૪, ધંધો-વેપાર, રહે.સેજની ટાંકી પાસે, ગુરૂકૃપા એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૦ર) અને બ્રિજેશભાઈ ખુશાલભાઈ રૂપારેલીયા (ઉ.વ.૪ર, ધંધો-કૈલાસ હર્બલમાં પ્રાઈવેટ નોકરી, રહે. જૂનાગઢ, જલારામ સોસાયટી, રીધી ટાવર, બ્લોક નં.૩૦૯) આ ઉપરાંત આયુર્વેદિક દવાની બોટલો સોડા સાથે મીક્ષ કરી પીવા આવેલ વ્યકિતઓમાં ૧. જગદિશભાઈ મેરૂભાઈ ચાંડેરા (ઉ.વ.૩૬, ધંધો-પ્રા. નોકરી, રહે. મેંદરડા, સામાકાંઠે, ઉમિયા મંદિર સામે, જી.જૂનાગઢ, ર. જયદિપ નેભાભાઈ સુવા (ઉ.વ.૩પ, ધંધો-પ્રા. નોકરી, રહે. મધુરમ, વંથલી રોડ, સોમનાથ ટાઉન શીપ, બ્લોક નં.૪૯, જૂનાગઢ), ૩. દિવ્યેશ ચુનીભાઈ ધોરાજીયા (ઉ.વ.૩૮, ધંધો-ખેતી, રહે. ઝાંઝરડા ચોકડી, જલારામ મંદિર સામે, જૂનાગઢ), ૪. મેહુલભાઈ નવનીતભાઈ ત્રિવેદી (ઉ.વ.૩પ, ધંધો-સ્કૂલ વાન, રહે. ગીરીરાજ સોસાયટી, પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ પાસે, બ્લોક નં.૩૯, જૂનાગઢ), પ. ગુણવંતભાઈ સોમાભાઈ પરમાર (ઉ.વ.૪૦, ધંધો-મજુરી, રહે. ઝાંઝરડા ગામ, વણકરવાસ, તા.જૂનાગઢ), ૬. મીતલભાઈ પ્રભુદાસભાઈ માણાવદરીયા (ઉ.વ.૪૪, ધંધો-ખેતી, રહે. જૂનાગઢ, જનકપુરી સોસાયટી, બ્લોક નં.એ-ર૧), ૭. ભાવીકભાઈ કાંતીલાલ જાદવ (ઉ.વ.રર, ધંધો-પ્રા. નોકરી, રહે. જૂનાગઢ, મધુરમ, શ્રીનગર સોસાયટી, બ્લોક નં.૧૦૧), ૮. અજીત હરીભાઈ ચુડાસમા (ઉ.વ.ર૬, ધંધો-પ્રા.નોકરી, રહે. ઉપલેટા, બસ સ્ટેશન પાછળ, સોલંકી દવાખાના પાછળ) આ તમામ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજી પોલીસે દુકાનનાં માલિક અને મેનેજર તેમજ આ જગ્યાએ નશો કરવા આવેલા ૮ વ્યકિતઓની અટક કરી તમામ સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. આ કામગીરીમાં એસઓજીનાં પોલીસ ઈન્સપેકટર એ.એમ. ગોહિલ, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબઈન્સપેકટર પી.વી. ધોકડીયા, એસઓજીનાં એએસઆઈ પી.એમ. ભારાઈ, પોલીસ હેડકોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર, બાબુભાઈ કોડીયાતર, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ મેહુલભાઈ મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જેતાભાઈ દીવરાણીયા, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડાંગર વિગેરે સ્ટાફ જાેડાયેલ હતો.