જૂનાગઢ જીલ્લામાં માર્ગ અકસ્માતનાં અલગ અલગ બનાવમાં બેનાં મોત અને પાંચને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડા – સાસણ રોડ ઉપર માધવ પેટ્રોલ પંપની સામે મોટર સાયકલ નં. જીજે-૧૧ – સીબી – ૯૧૧૬નાં ચાલકે બેફિકરાઈથી પોતાની બાઈક ચલાવી ફરીયાદી ધરમશીભાઈ વેલજીભાઈ સોલંકી રહે. ગોંડલનાં પુત્રની બાઈક નં. જીજે-૧૧-સીબી- ૩પ૧૩ સાથે અથડાવી અકસ્માત સર્જતા ફરીયાદીનાં દિકરા મનોજભાઈને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજયું હતું. જયારે માંગરોળમાં રહેતા હરેશભાઈ રાજુભાઈ ભુવાનાં ફઈનાં દિકરા રાણાભાઈ ખીમાભાઈ મોઢાના વંથલી તરફથી કેશોદ આવતા હતા ત્યારે માણેકવાડા ગામે શિવધારા હોટલ પાસે, તેની તુફાન ફોરવ્હીલમાં પંચર સાંધવાનું કામ કરતા હતા આ સમયે વંથલી તરફથી આવતા ટ્રક ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી રાણાભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા થવાથી તેનું મોત નિપજયું હતું. જયારે અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. જયારે મેંદરડાનાં ભાટીયા ગામનાં પાટીયા પાસે ખડપીપળી ગામથી આગળ ફોરવ્હીલ કાર નં. જીજે-૧૧-સીએચ-૩૦૮૦નાં ચાલકે એકટીવાને હડફેટે લઈ લેતા કાજલબેન જગદીશભાઈ ચુડાસમા ઉ.વ.૩૦ રહે. માળીયા હાટીના સહિત બેને ઈજાઓ પહોંચી હતી. આ જયારે વંથલી બસસ્ટેશન સામે રોડ પાસે એસટી બસ નં.જીજે-૧૮-ઝેડ-૩૮૩પનાં ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવીને ફરીયાદી ધીરૂભાઈ ગુલાબનાથ ગોહેલ રહે. કતકપરા માણાવદર ઉપર બસનું વ્હીલ ચડાવી દઈ પગમાં ઈજા પહોંચાડી હતી. જયારે શીલ તાબેનાં સામરડા ગામ નજીક સરમા રોડ ઉપર વર્ના મોટરકાર નં. જીજે-૧૧-સીએચ-૪પપ૦નાં ચાલક રાજુભાઈ જીવાભાઈ કેશવાલા રહે. આંત્રોલી તા. માંગરોળે ગફલતભરી રીતે કાર ચલાવી કાવો મારી સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી ખેતરમાં ઉતારી દેતા ફરીયાદી ભરતભાઈ રામભાઈ કેશવાલા સહિત બેને ઈજા પહોંચાડી હતી.