દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં ગઈકાલે બુધવારે પૂર્નઃ મેઘરાજાનું આગમન થયું હતું. ખાસ કરીને ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયા પંથકમાં બુધવારે દિવસ દરમ્યાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે તાલુકાના જે.પી. દેવળીયા ગામ તથા આસપાસના ગામોમાં બપોરે દોઢેક કલાકના સમયગાળા દરમ્યાન સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. આ ઉપરાંત ખેતરો અને નાના તળાવ તથા ચેકડેમમાં નોંધપાત્ર પાણી ભરાઈ આવ્યા હતા. આ ઉપરાંત કોઝવે ઉપરથી પાણી નીકળવા લાગતા થોડો સમય આ રસ્તો બંધ થઈ ગયો હતો. તાલુકાના જે.પી. દેવળિયા ગામમાં સાડા ત્રણેક ઇંચ જેટલા વરસાદ સાથે નજીકના આંબરડી ઉપરાંત તાલુકાના માધુપુર, પીપળિયા, મોવાણ, ખજુરીયા, ખોખરી વિગેરે ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો.
એક જ વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં સાડા ત્રણ ઇંચ જેટલા વરસાદથી જાણે આભ ફાટ્યું હોય તેમ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ નોંધપાત્ર વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી.