સૌરાષ્ટ્ર ઝોનની ૫૪ બેઠકોનું સોમનાથ સાનિધ્યે કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા સહિતના પ્રદેશ – સ્થાનીક પક્ષના આગેવાનો આવતીકાલે મંથન કરવાના છે. ત્યારે આ કાર્યક્રમની પુર્વે સંધ્યાએ સોમનાથ પહોંચેલ કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ યોજેલ પત્રકાર પરીષદમાં કોંગ્રેસ છોડી જઈ રહેલા કોંગી ધારાસભ્યોના સવાલના જવાબમાં કહેલ કે, અમને ખબર છે કે, કોણ કોણ કોંગ્રેસ છોડી રહ્યું છે. જે જીતી શકે તેમ નથી તેવા લોકો પક્ષ છોડી રહ્યા છે. ત્યારે આવા કચરાને લઈ ભાજપ કરશે શું ? તેવું સુચક નિવેદન કરેલ હતું. આજે શુક્રવારે સોમનાથ સાનિધ્યે હોટલમાં કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, વિપક્ષી નેતા જગદીશ ઠાકોર, એઆઈસીસીના સેક્રેટરીઓ, પ્રદેશ અને સ્થાનીક સંગઠનના હોદેદારો, ધારાસભ્યો સૌરાષ્ટ્ર ઝોનની ૫૪ વિધાનસભા બેઠકો કઈ રીતે જીતી શકાય તે માટે મંથન કરવાના છે. આ મંથન કરતા પુર્વે સવારે તમામ કોંગીજનો સોમનાથ મહાદેવ મંદિરે બાઈક-કાર રેલી મારફતે જઈ પુજા અર્ચના કરશે. બાદમાં હોટલમાં આવી પક્ષના બેઠક દીઠ પ્રભારીઓ અને આગેવવાનો આગામી ચૂંટણીમાં કઈ રીતે બેઠકો જીતી શકાય તેના માટે મંથન કરી રણનિતી ઘડશે. આ કાર્યક્રમ પુર્વે આજે સાંજે પ્રભારી, વિપક્ષી નેતા સહિતના પક્ષના જવાબદારો સોમનાથ પહોંચ્યા છે. આ તકે યોજેલ પત્રકાર પરીષદમાં ચૂંટણી પુર્વે કોંગ્રેસ છોડીને જઈ રહેલા કોંગી ધારાસભ્યોના સવાલના જવાબમાં પ્રભારી ડો. રઘુ શર્માએ જણાવેલ કે, અમને ખબર જ છે કે, કોણ કોણ કોંગ્રેસ પક્ષ છોડી રહ્યું છે. જે છોડી રહ્યા છે તે જીતી શકે તેમ નથી અને જેઓની જમીની પકડ ઢીલી પડી ગઈ છે તેવા લોકો પક્ષ છોડી રહ્યા છે. આવા કચરાને લઈ ભાજપ કરશે શું ? એવું સૂચક નિવેદન કર્યુ હતું. આ ઉપરાંત જેને આર્થીક લાભ લેવો છે અને જે ભાજપની લાલચમાં ફસવા માંગે છે તે કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસના સમર્પિત અને જમીની કાર્યકર્તાઓ આજે પણ પક્ષ સાથે છે. ગુજરાતમાં ભાજપની જમીન ખસી ગઈ છે અને પ્રતિષ્ઠા પુરી થઈ ગઈ છે. હાલ ગુજરાતમાં ભાજપ માત્ર ઇવેન્ટ મેનેજમેન્ટ કરી ખરીદ ફરોક કરી કોંગ્રેસનું મનોબળ નબળું પાડવાની રણનિતીના ભાગરૂપે આવું કરી રહી છે. વધુમાં ડો. રઘુ શર્માએ જણાવેલ કે, આ વખતની ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ માઇક્રો લેવલ સુધીની તૈયારી કરી રણનિતી સાથે લડશે. તેના ભાગરૂપે રાજ્યમાં મધ્ય, ઉત્તર અને દક્ષીણ ઝોનની બેઠકો કરી રણનિતી ઘડી છે. તેવી જ રીતે આવતીકાલે સૌરાષ્ટ્ર ઝોનની ૫૪ બેઠકો જીતવા મંથન કરી રણનિતી ઘડાશે. આ વખતે ગુજરાતમાં ૧૨૫ સીટ જીતવાના લક્ષયાંક સાથે કોંગ્રેસની સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેના માટે જ રણનિતી ઘડાશે.