શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા યોજાયો ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનાર

0

હાલના સમયમાં ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ગ્રાહકોને છેતરપિંડી વિરૂદ્ધ અવાજ ઉઠાવવા માટેની યોગ્ય જાણકારી નથી હોતી ત્યારે લેભાગુ તત્વો તેનો ફાયદો ઉઠાવતાં હોય છે. ત્યારે છેતરપિંડી વિરૂદ્ધ ગ્રાહકો અવાજ ઉઠાવવા માટે જાગૃત બને તે માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાહક સુરક્ષા કોર્ટના જજ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને માહિતી પિરસવામાં આવી હતી. તારીખ ૨૩ જૂનને ગુરૂવારના રોજ શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર પટેલ ભવન ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ જિલ્લા ગ્રાહક કમિશન(મુખ્ય)ના પ્રમુખ જજ પી.સી. રાવલ, સભ્ય એમ.એસ. ભટ્ટ, કે.પી. સચદેવ, રાજકોટ જિલ્લા ગ્રાહક કમિશન(એડિશનલ)ના પ્રમુખ જજ કે.એમ. દવે, સભ્ય ટી.જે. સાંકળા, પી.એમ. પરીખ દ્વારા ઉપસ્થિત મહિલાઓને ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જજ દ્વારા જણાવાયું હતું કે, હાલના સમયમાં ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં ગ્રાહકોને ઘણી વખત આ છેતરપિંડી સામે કેવી રીતે કાયદાકીય લડત ચલાવવી તેની યોગ્ય માહિતી હોતી નથી. ત્યારે આવા ગ્રાહકો જાે ગ્રાહક સુરક્ષા કોર્ટનો સંપર્ક કરે તો તેમને ઝડપથી ન્યાય મળી શકે છે અને ગ્રાહક સુરક્ષા કોર્ટ ગ્રાહકોને ન્યાય અપાવે છે. આ ઉપરાંત નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ખરીદી કરતી વખતે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે, જેમ કે, ખરીદીનું બિલ લેવું, ખરીદી કરતી વખતે પેકિંગ ઉપર છપાયેલી તમામ વસ્તુઓની તપાસ કરી લેવી વગેરે. આ ઉપરાંત હાલમાં ઓનલાઈન ખરીદીમાં પણ ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે. વીમા સંબંધી તકરારો પણ થતી હોય છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી પણ ઘણા ગ્રાહકો ભરમાઈ જતાં હોય છે. ત્યારે આવી બધી બાબતોનું ધ્યાન રાખી જાગૃત બનીને જ ખરીદી કરવી જાેઈએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનારમાં ઉપસ્થિત રહીને યોગ્ય માર્ગદર્શન અને માહિતી આપનાર તમામ નિષ્ણાંતોને શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા શ્રી ખોડલધામનું શ્રીયંત્ર આપીને સન્માનિત કરાયા હતા અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!