બેંકમાં પૈસા ઉપાડવા આવતા અભણ તથા વૃધ્ધ લોકોને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલી ચોરી કરી આવા વ્યકિતઓનાં ખાતામાંથી પૈસા ઉપાડી લેતી આંધ્રપ્રદેશની આંતરરાજય ગેંગનાં બે શખ્સોને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ટીમે ઝડપી લઈ રોકડ સહિત કુલ રૂા.૮.ર૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ પાલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના કરી જીલ્લામાં બનતા ચોરીઓનાં અનડીટેકટ ગુન્હાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા અને આવા આરોપીઓને શોધી કાઢી અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા અને મુદ્દામાલ રીકવર કરવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય, જે સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ. એચ.આઈ. ભાટીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા ચોરીઓનાં બનાવો અટકાવતા અને બનેલ ચોરીનાં અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, ટેકનીકલ સેલ તથા બનાવ વિસ્તારનાં આજુ-બાજુનાં સીસીટીવી ફુટેજાે મેળવી આવા બનાવો ડીટેકટ કરવા માટે પ્રયત્નશીલ હોય, તે દરમ્યાન પોલીસ ઈન્સ્પેકટર એચ.આઈ ભાટી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.જી. બડવા તથા એએસઆઈ વિક્રમભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદિપ કનેરીયા, પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ સમા, ભરતભાઈ સોલંકીને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ હકિકત મળેલ કે, આંધ્રપ્રદેશ રાજયની ગેંગનાં માણસો કે જે કોઈપણ બેંકનાં એટીએમ ખાતેથી વૃધ્ધ અથવા અભણ માણસોને એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાનાં બહાને તેમની પાસેથી એટીએમ કાર્ડનાં પીન નંબર મેળવવી એટીએમ કાર્ડની ચોરી કરી એટીએમ કાર્ડમાંથી રોકડા રૂપિયા ઉપાડી ચોરી કરતી ગેંગનાં બે માણસો કર્ણાટક રાજયનાં પાસીંગની હોન્ડા કંપનીની લાલ કલરની સીવીઆર ફોર વ્હીલમાં આંટા ફેરા કરે છે અને હાલ આ ઈસમો જૂનાગઢ ખલીલપુર રોડ ઉપર સિધ્ધી વિનાયક સોસાયટી નજીક ઉપરોકત કાર સાથે ઉભેલ છે. તેવી ચોક્કસ હકિકત મળતા ઉપરોકત સ્થળે ઉપરોકત ટીમ સાથે હકિકતવાળી જગ્યાએ રેઈડ કરતા હોન્ડા કંપનીની લાલ કલરની સીવીઆર રજી.નં. કેએ-૦૩-એમએચ-રર૯૯માંથી કિષ્નામુર્થી રેડ્ડેપ્પા નાગપ્પા સુનપુશેટી, બલીજા(ઉ.વ.૪૪, ધંધો-હોટલનો, રહે. તનકલ્લુ મંડલ) અને મોહના વેંકટરમના ચીન્થલા, ગોૈડ(ઉ.વ.ર૮, ધંધો-ડ્રાઈવીંગ, રહે.પીલર, આંધ્રપ્રદેશ)ને કુલ રૂા.૮,ર૮,ર૦૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે બી ડીવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ શહેરને સોંપી આપવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની આગવી ઢબે પુછપરછમાં કુલ પ૧ ગુનાઓની કુબાલાત કરી હતી જેમાં રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, નડીયાદ, દહેગામ, સાણંદ, ચાંગોદર, બાવળા, ધોળકા, કરઝણ, મહારાષ્ટ્રનું સોલાપુર, નંદુરબાર, વાસીમ, નાંદેડ, યવતમાલ, વર્ધા, અમરાવતી, કર્ણાટકાનાં ધારવડ, બેલરી, બેંગ્લુર, વિજયપુરા, દેવર હિપાર્ગી, સાવદતી યલ્લમ્મા, નારાગુંદી, અનિગીરી, કીટુર, રામદુર્ગા, યરાગતી, બેલગાવી, ગુલબર, તેલંગણાનાં ચેંગુટા, આદિલાબાદ, હનુમાકોન્ડા, મતવાડા, ઓરીસ્સાનાં ભુવનેશ્વર, મધ્યપ્રદેશનાં ઈન્દોર, તામીલનાડુનાં કોઈમતુર, પલની, ઓડ્ડાનચત્રમ, બાટલાગુંડૂ, વેલાપટ્ટી, મુન્નાર, તીરૂવંથપુરમ, તીરૂનવલી સહિતનાં ગામ-શહેરોનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ્પેકટર એચ.આઈ. ભાટી, બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેકટર એન.આર. પટેલ, પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.જી. બડવા, પો.વા.સ.ઈ. ડી.એમ. જલુ, ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢનાં એએસઆઈ વિજયભાઈ બડવા, વિક્રમભાઈ ચાવડા, નિકુલ એમ. પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદિપભાઈ કનેરીયા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, પોલીસ કોન્સ્ટેબલ સાહિલ સમા, ભરતભાઈ સોલંકી, ડ્રા.પો.કોન્સ. જગદીશભાઈ ભાટુ, મુકેશભાઈ કોડીયાતર, વરજાંગભાઈ બોરીચા, વનરાજભાઈ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ હતી.
આરોપી વિરૂધ્ધ અગાઉ પણ ગુના નોંધાયા છે
આરોપી કિષ્નામુર્થી અને મોહના વેંકટરમના વિરૂધ્ધ આંધ્રપ્રદેશનાં મગદી, વિજયાનગર અને લશ્કર મહોલ્લા પોલીસ સટેશનમાં વિશ્વાઘાત-છેતરપીંડીનાં ગુના નોંધાયા છે.
આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલો મુદ્દામાલ
આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ-૬, આધારકાર્ડ-ર, ડ્રાઈવીંગ લાઈન્સસ-૩, અસલ આરસી બુક તથા તેની કોપી કુલ-ર, ટેબલેટ, એટીએમ કાર્ડ તથા ડેબીટકાર્ડ-પર, પાનકાર્ડ-ર, ઘડીયાર નંગ-ર, રોકડ રૂા.૮૩,૮૦૦, સોનાનાં બિસ્કીટ નંગ-ર, વિડીયોગ્રાફીનો કેમેરો, મોનીટર, વુફર સીસ્ટમ તથા સાઉન્ડબાર-ર સહિતનાં ઉપકરણો, ફોરવ્હીલ કાર, નંબર પ્લેટ સહિત કુલ રૂા.૮,ર૮,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
મોટી ઉંમરનાં કે અભણ લોકોને ભોળવવાની મોડસ ઓપરન્ડી
આ ઝડપાયેલા આરોપીઓ અલગ-અલગ રાજયની અંદર કોઈપણ શહેરમાં આવેલ એસબીઆઈનાં એટીએમ ખાતે જાય છે અને ત્યાં મોટી ઉંમરનાં અથવા અભણ લોકો પૈસા ઉપાડવા આવે અને તેમને પૈસા ઉપાડતા આવડે નહી જેથી તેમની મદદ કરવાને બહાને તેમનું એટીએમ કાર્ડ લઈ તેમની પાસેથી પીન નંબર જાણી તેમનાં જેટલા રૂપિયા જાેઈતા હોય તે એટીએમમાંથી ઉપાડી તેમની આપી દે છે અને આ રીતે તેમનો વિશ્વાસ કેળવી આપેલ એટીએમ પાછું આપવાનાં બદલે અગાઉ ચોરી કરેલ હોય તે એટીએમ કાર્ડ આ વ્યકિતને આપી ત્યાંથી નીકળી નજીકનાં બીજા કોઈપણ એટીએમએ જઈ રોકડા રૂપિયા ઉપાડી લે છે અથવા સોનાનાં દાગીના તથા અન્ય ચીજવસ્તુઓ આ એટીએમ કાર્ડ સ્વાઈપ કરી તેનાં ખાતામાંથી રૂપિયા ઉપાડી તેની ચોરી કરી ગુનાઓ આચરે છે. આમ આરોપીઓ આ મોડસ ઓપરેન્ડીમાં ભારે માહીર હતા એમ પોલીસે જણાવ્યું હતું.