અમે તો એવું ઈચ્છીએ છીએ કે શહેરમાંથી અમારી નિશાળે આવવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસો દોડે : આદમ ભાટા

0

માંગરોળ તાલુકાની નામાંકિત નિશાળોમાંની એક લાલબાગ સીમશાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો. જૂનાગઢ જીલ્લાના ખેતીવાડી અધિકારી ગૌરાંગ દવેની અધ્યક્ષતામાં આ પ્રોગ્રામ યોજાયો હતો. બાળકોના મધૂર કંઠે પ્રાર્થના અને મહેમાનો હસ્તે દીપ પ્રગટાવીને પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ શાળામાં અભ્યાસ કરતી પ્રથમ હરોળની કન્યાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવા આવી હતી. તેમજ પહેલા ધોરણમાં ૪૫ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પ્રાસંગિક પ્રવચન આપતા શાળાના આચાર્ય આદમ ભાટાએ શાળાની સિધ્ધિઓ વર્ણવી જણાવ્યું હતું કે, અમારી આ સરકારી સીમશાળામાં એડમિશન માટે ૩૦૦નું વેઈટીંગ ચાલે છે. જે અમારા સ્ટાફની ભગીરથ મહેનતનું દષ્ટાંત છે. અમે ઓરડા અને શિક્ષકોની ઘટની સામે મજબૂર છીએ. બાકી અમે તો એવું ઈચ્છીએ છીએ કે, શહેરમાંથી અમારી નિશાળે આવવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસો દોડે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગૌરાંગ દવે શાળાની કામગીરી અને બાળકોની કુશળતા જાેઈને વિસ્મયમાં પડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આટલી અગવડતા છતાં આટલી સારી કામગીરી એ ગૌરવની વાત છે. હાલના તબક્કે લાલબાગ સીમશાળામાં અપૂરતા ઓરડા, શિક્ષકોની ઘટ તેમજ મધ્યાહન ભોજનમાં પડતી અગવડતા અને અસુવિધાઓ વિષે તેમણે ઉચ્ચકક્ષાએ રીપોર્ટ કરવાની ખાતરી આપી હતી અને તાત્કાલિક અસરથી પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવા તેમની કક્ષાએથી સરકારમાં રજૂઆત કરવાની પણ બાંહેધરી આપી હતી. આ તકે પ્રોગ્રામમાં ઉપસ્થિત મો. હુસેન ઝાલાએ મધ્યાહન ભોજનના સેટ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાર લાખ રૂપિયા અપાવવાની જાહેરાત કરી હતી. તેમણે પોતે પણ દશ હજાર રૂપિયા શાળાને દાન કર્યા હતા. એકંદરે તમામ ઉપસ્થિત મહાનુભાવોએ એક જ શૂર પૂરાવ્યો હતો કે, સરકારી સીમશાળા અને આટલી અગવડતા છતાં તાલુકાની તમામ શાળાઓમાં નંબર વન સ્કૂલમાં ગણના થતી લાલબાગ સીમશાળાનો તમામ શ્રેય શાળાના આચાર્ય આદમ ભાટા અને તેના શિક્ષક ગણને જાય છે. શાળામાંથી નિવૃત્ત થનાર શિક્ષિકા શોભનાબેન અગ્રાવતે એકાવન હજારનો ચેક શાળાને અર્પણ કર્યો હતો. તેમનું પણ સન્માન કરવામાં આવતા તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં. તદુપરાંત નિવૃત્ત શિક્ષક બાબુભાઈ મકવાણાં તરફથી અગિયાર હજાર, ઈલ્યાસભાઈ કાદુ નુરાની ફાયબર તરફથી દશ હજાર, શાળાને ભેટ કરવામાં આવ્યાં હતાં. આઝાદી કા અમૃત મહોત્સવ વિષે શાળાની વિદ્યાર્થીની બિચારા શબનમ ઉમર એ સુંદર વક્તવ્ય રજૂ કર્યુ હતું. આ પ્રોગ્રામમાં મદદનીશ ખેતી નિયામક જે.ડી. ગોંડલીયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી મધુબેન ગોસ્વામી, ગ્રામ સેવક દિપકભાઇ માંકડીયા તેમજ શાળાનાં એસએમસીના અધ્યક્ષ ઈસ્માઈલભાઈ કાલવાત, ઉપાધ્યક્ષ હનીફભાઈ ગુજરાતી, શિક્ષણવિદ અ. રજાક ગોસલીયા, પૂર્વ અધ્યક્ષ યુસુફભાઈ ઘમેરીયા, શાળાના કાર્યમાં અગ્રેસર રહેતા હાજી હારૂન બેરા અને મો. હુસેન ચુડલી તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામનું સંપૂર્ણ સંચાલન શાળાના જ વિદ્યાર્થી શેખ ઈકરા મો. આદિલ અને બિલ્લી અલ્ફેઝ હારૂન એ સુંદર રીતે કર્યું હતું. જેમાં શાળા શિક્ષક ભરતભાઈ કામળિયા અને આદીલ શેખ એ શૂર પૂરાવ્યો હતો. પ્રોગ્રામને સફળ બનાવવા શાળાના વરિષ્ઠ શિક્ષક અબ્બાસભાઈ કરૂડ તેમજ આચાર્ય અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!