ભારતની આઝાદીના ૭૫ વર્ષ એટલે “આઝાદીનો અમૃત મહોત્સવ”. ભારત દેશની આઝાદીમાં ઘણા ક્રાંતિવીર – વિરાંગનાઓએ લોહીની નદીઓ વહાવી છે. આપણે જાણીએ છીએ કે, કેવી રીતે સ્વતંત્રતા સેનાનીઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન તેમના જીવનનું બલિદાન આપ્યું. પરંતુ એવા ઘણા ક્રાંતિકારીઓ છે જેમના વિષે આપણામાંથી મોટાભાગના લોકો જાણતા પણ નથી. આ લોકોએ દેશની આઝાદી માટે તમામ પ્રયાસો કર્યા, પ્રાણોનું બલિદાન આપ્યું પરંતુ કમનસીબે આ સેનાનીઓ એટલા પ્રખ્યાત નથી કે ભારતના તમામ લોકો તેમને ઓળખે તેમ છતાં તેમના બલીદાનની વાતો અમર છે. આવાજ અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિષે જાણીતા કોલમિસ્ટ – પત્રકાર પ્રશાંત બક્ષીએ અદભૂત માહિતી રજુ કરી છે જેનું આવતીકાલે એટલેકે તા.૨૯ને બુધવારે બપોરે ૧ઃ૩૦ કલાકે દૂરદર્શન ગિરનાર(ડીડી ગિરનાર) ઉપર પ્રસારણ થશે જ્યારે તેનું પૂર્નઃપ્રસારણ તા.૩૦ને ગુરૂવારે સવારે ૧૦ઃ૩૦ કલાકે થશે. કેટલાક એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ હતા જે ઈતિહાસના પાનામાં ઢંકાય ગયા છે. જેમકે રાણી વેલુ નાચિયાર, સૂર્યાસેન, માતંગિની હાજરા, બુધુ ભગત, બાદલ-વિનોદ-દિનેશની ત્રીપૂટી વગેરે ક્રાંતિકારીઓના જીવન અને દેશ માટે તેમણે આપેલા બલિદાન વિષે ક્યારેય જાણવામાં ન આવી હોય તેવી હકિકતો અને માહિતીની જાણીતા કોલમિસ્ટ – પત્રકાર પ્રશાંત બક્ષી એ ખુબ સહજ રીતે રજુ કરી છે. આપણા દેશના આ અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને પણ ક્યારેય ભૂલી શકાશે નહીં. આઝાદીના આ અમૃત મહોત્સવના પાવન પર્વ ઉપર દેશ પોતાના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને, રાષ્ટ્ર રક્ષામાં પોતાની જાતને દિવસ રાત ખપાવી દેનાર, હોમી દેનાર વીર-વીરાંગનાઓ વિષેની આ અમૂલ્ય અને અદભૂત સાચવવા જેવી માહિતી દરેક લોકો માટે એક યાદગીરી બની રહેશે. આ કાર્યક્રમ “ભારતના અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ”નું નિર્માણ રાજકોટ દૂરદર્શન કેન્દ્રના કાર્યક્રમ નિર્માતા સંજયભાઇ સાગઠિયાએ કર્યું છે જ્યારે કોલમિસ્ટ – પત્રકાર પ્રશાંત બક્ષીની મુલાકાત પત્રકાર-કલાકાર તેજસભાઇ શીશાંગિયાએ લીધી છે.