જૂનાગઢમાં સૌ પ્રથમ વખત સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ માટે ૬ વિઘા જમીન ખરીદી ત્યાં પરશુરામ ધામનું નિર્માણ કરવામાં આવનાર છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષીએ જણાવ્યું હતું કે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટનાં નેતૃત્વમાં પૂ. મુકતાનંદ બાપુનાં આર્શિવાદ અને પ્રેરણાથી જૂનાગઢ નજીક આવેલ ઈવનગર સોનારડી વચ્ચે પરશુરામ ધામનું નિર્માણ કરવામાં આવશે. જેમાં પ૦ રૂમ, બે હોલ અને સ્કીલ ડેવલપમેન્ટ માટેની તાલિમ સુવિધા આકાર લેશે.
સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક ટ્રસ્ટી જયદેવભાઈ જાેષી, કાર્તિક ઠાકર, કમલેશભાઈ ભરાડ સહિતનાં કાર્યકર્તાઓ દ્વારા ર૦૧૭માં ટ્રસ્ટની સ્થાપના કર્યા બાદ કોરોના કાળનાં બે વર્ષ બાદ કરતાં ત્રણ વર્ષમાં ભૂદેવોને સંગઠીત કરવાનું કાર્ય કર્યુ અને શહેરનાં દરેક વોર્ડમાં સંગઠન મજબુત બનાવી સામાજીક સત્કાર્યો કરવા જાેળીયાત્રા શરૂ કરેલ જેને પ્રચંડ આવકાર મળેલ હતો તેમજ કોરોનામાં જીવ ગુમાવનાર દિવંગતો માટે પૂ. મહાદેવ પ્રસાદનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરાયું હતું. ઉપરાંત યુવાનો માટે બાળકો માટે સમર કેમ્પ કર્યા બાદ નવરાત્રીનું પણ ભવ્ય આયોજન સંપન્ન થયું હતું.
જયદેવભાઈ જાેષીએ વધુમાં જણાવેલ કે પરશુરામ ધામ બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે બ્રાહ્મણો અલગ ૮૪ તળગોડમાં જ તેનાં વિકાસ માટે પ્રયાસ કરતા હતાં. સમસ્ત પાટીદાર કે સમસ્ત પ્રજાપતિ કે સમસ્ત કોળી સમાજ પાસેથી પ્રેરણા લઈ સમાજ માટે યુવાનો તૈયાર કરવા માટે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠને આ કાર્ય શરૂ કર્યુ અને અમારા મિત્ર મંડળ સમક્ષ આ પરશુરામ ધામ બનાવવા માટે વિચાર મુકતા તેમણે જબરો પ્રતિસાદ આપેલ ત્યારબાદ આપણા સૌનાં આદર્શ પૂ. મુકતાનંદ બાપુ પાસે જઈને આ વાત રજુ કરતાં તેમણે રાજીપો વ્યકત કરી રૂડા આર્શિવાદ આપતા આ પરશુરામ ધામનું નિર્માણ થવા જઈ રહયું છે.
રવિવારે સવારે ૧૧ કલાકે આ જમીન ઉપર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન અને ધારાસભ્ય ભીખાભાઈ જાેષી સહિત ભૂદેવોએ પૂ. મુકતાનંદ બાપુનું સ્વાગત કર્યુ હતું. અને પરશુરામ ધામ જયાં નિર્માણાધિન થવા જઈ રહયું છે તેમાં પૂ. ગોપાલાનંદ બાપુની દિવ્ય ચેતના પણ સાથે છે તેમ જણાવી પૂ. મુકતાનંદ બાપુએ ૩૪ લાખની ધનરાશી આપવાની પરશુરામ ધામનાં નિર્માણ અર્થે જાહેરાત કરતાં સૌએ કૃતજ્ઞતા વ્યકત કરી જય જય પરશુરામનાં નાદનાં નારા સાથે વધાવેલ હતી.
પરશુરામ ધામનાં પરિસરમાં ભવ્ય મંદિર થશે જેમાં પરશુરામ ભગવાન, ગાયત્રી માતા અને મહાદેવની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત આદ્ય ગુરૂ શંકરાચાર્યજી દ્વાર અને પ્રતિમા પણ મુકવામાં આવશે. આ પરશુરામ ધામમાં સમસ્ત બ્રહ્મ સમાજ માટે બનશે જેમાં કોઈપણ તળગોડ બ્રાહ્મણો પોતાનાં દિકરા દિકરીનાં લગ્ન-સગાઈ જેવી ખુશીનાં પ્રસંગો માટે અદ્યતન સુવિધા મેળવી ઉજવી શકશે.