રથયાત્રા એટલે સામૂહિક એકતાનો સંદેશના હેતુ સાથે જૂનાગઢમાં અષાઢી બીજ નિમિત્તે આવતીકાલે ૧ જુલાઇના રોજ ૧૮મી જગન્નાથજીની રથયાત્રા ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. જગન્નાથજી મંદિરે સવારે શાહી સ્નાન, ભોગ હાંડી પ્રસાદ, મહા આરતી, બપોરે ભવ્ય રથયાત્રા અને સાંજે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો દ્વારા જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠશે.(ભગવાનના રથને દોરડા વડે ખેંચી પુણ્યનું ભાથુ બાંધવાનો અનેરો લ્હાવો લેવાનો મોકો એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા). જૂનાગઢમાં દોઢસો વર્ષ જુના ગંધ્રપવાડા ખાતે આવેલ પૌરાણિક જગન્નાથજી મંદિર ખાતે અષાઢી બીજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અંતર્ગત બુધવારે રાત્રે સ્વ. મુકુંદભાઈ સૂચક આયોજિત ટીમ દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિ સંગીતની ભવ્ય ભજન સંધ્યા યોજવામાં આવી હતી. તો ગુરૂવારે સવારે વિષ્ણુ યાગ યજ્ઞ દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું અને આજે રાત્રે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન બાદ આવતીકાલે શુક્રવારે અષાઢી બીજના દિવસે જગન્નાથજી મંદિરે સવારે ભગવાનનું શાહી સ્નાન, ત્યારબાદ ભોગ હાંડી પ્રસાદ અને મહા આરતી સહિતના કાર્યક્રમો મંદિર ખાતે યોજાયા બાદ બપોરે શહેરના માર્ગો ઉપર ભગવાન જગન્નાથ, માતાજી સુભદ્રા અને ભાઈ બલભદ્ર એમ મંદિર ખાતેથી ૧૮મી રથયાત્રા સ્વરૂપે નગરચર્યાએ નીકળશે. આ તકે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના પ્રમુખ મહંત મોટા પીર બાવા તન સુખ ગીરીબાપુ, નાના પીર બાવા ગણપત ગીરીબાપુ, ઉપરાંત સંતો-મહંતો, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ, રાજકીય સામાજીક સંસ્થાના આગેવાનો, કોર્પોરેટરો મહિલા આગેવાનો વિવિધ મહિલા મંડળ સહિતનાઓ ભગવાનના રથને દોરડા વડે પ્રસ્થાન કરાવશે.
ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રના રથને પુરૂષો તથા બહેન સુભદ્રાજીના રથને મહિલાઓ દ્વારા ખેંચવામાં આવશે
અષાઢી બીજના પાવન દિવસ નિમિત્તે જૂનાગઢમાં જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના એમ ત્રણેય રથોને દોરડા વડે શહેરના માર્ગો ઉપર ખેંચી પ્રસ્થાન કરાવવામાં આવે છે. ત્યારે સુભદ્રા માતાજીના રથને ખાસ બહેનો દ્વારા જ પ્રસ્થાન કરાવવામાં આવશે. જેમાં બ્રહ્મસમાજની બહેનો કેસરી અને સિલ્વર સાડીના અનોખા ડ્રેસ કોડ સાથે સજજ થઈ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓની બહેનો, આસપાસના રહેવાસીઓ બહેનો વિવિધ મહિલા મંડળો દ્વારા માતા સુભદ્રાજીના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે.
રથયાત્રા પૂર્વે પહિંદ વિધિનું ખાસ મહત્વ
અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળનાર છે ત્યારે રથયાત્રા પૂર્વે પહિંદ વિધિનું ખાસ મહત્વ રહેલું છે. જેમાં ખાસ ચાંદીની સાવરણીથી રથયાત્રા શરૂ થાય તે પહેલા પ્રસ્થાન સમયે ચાંદીની સાવરણીથી રથયાત્રાનો રૂટ સંતો-મહંતો, રાજકીય-સામાજિક મહાનુભવો દ્વારા સાફ કરવામાં આવે છે. ત્યારબાદ જ ભગવાનના રથને દોરડા વડે ખેંચી પ્રસ્થાન કરાવવામાં આવશે
રથયાત્રાના રૂટ ઉપર ભાવિકોને પ્રસાદના પેકેટ વિતરણ કરાશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને વધાવવાનો શહેરીજનોમાં પણ અનોખો ઉલ્લાસ છે. ત્યારે રથયાત્રાના રૂટ ઉપર જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ખાસ રૂટ દરમ્યાન ભાવિકોને પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે જે હજારોની સંખ્યામાં તૈયાર કરાયેલા પ્રસાદના પેકેટને વિતરણ કરવામાં આવશે.
રથયાત્રામાં બેન્ડબાજા, ધૂન મંડળ, રાસ મંડળી, યુવક મંડળ તથા વિવિધ ફ્લોટ પણ જાેડાશે
ભગવાન જગન્નાથજીની ૧૮મી રથયાત્રા અંતર્ગત જગન્નાથજી મંદિરે આવતીકાલે યોજાનાર ભવ્ય રથયાત્રામાં શહેરના સંતો-મહંતો ઉપરાંત રાજકીય, સામાજિક, અધિકારી, પદાધિકારી તથા યુવક મંડળો ઉપરાંત બેન્ડબાજા જુદા-જુદા ફ્લોટો અને રાસ મંડળી, ધૂન મંડળ, મહિલા મંડળ સહિતનાઓ જાેડાશે.
રથયાત્રાના રૂટ ઉપર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા-પાણી, સરબત, પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ
જૂનાગઢમાં ભગવાનની અષાઢી બીજના દિવસે નગરચર્યા નિમિત્તે ભગવાનની રથયાત્રાને વધાવવા શહેરીજનો અનેરો ઉત્સાહ છે. ત્યારે રથયાત્રાને લઇ શહેરના વિવિધ માર્ગો ઉપર સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના વિવિધ સ્થળો ઉપર કોકો બેંક, પુષ્પક ઓફસેટ, અમરનાથ યુવક મંડળ, સત્યમ સેવા યુવક મંડળ, શાશ્વત જ્ઞાતિની જગ્યા(જીતુભાઈ જાેશી) સહિતના વિવિધ સ્થળોએ મંડળો દ્વારા રૂટ ઉપર શરબત, ચા, પાણી, પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
રથયાત્રાનો રૂટ
જૂનાગઢમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના ત્રણેય રથ દોરડા વડે રથયાત્રા પ્રસ્થાન થયા બાદ સેજના ઓટા, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ, પંચ હાટડી ચોક, આઝાદ ચોક, એમજી રોડ, કાળવા ચોક અને જવાહર રોડ થઈ મંદિર ખાતે રથયાત્રા સંપન્ન થશે.
રથયાત્રા સંપન્ન થયા બાદ રાત્રે હાટકેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં ભવ્ય મહાપ્રસાદ
જૂનાગઢમાં જગન્નાથજી મંદિર ખાતે અષાઢી બીજના દિવસે રથયાત્રા શહેરના માર્ગો ઉપર ફરી સંપન્ન થયા બાદ જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ભાવિકો માટે રાત્રે હાટકેશ્વર મહાદેવ મંદિર પટાંગણ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા બાદ કોઈપણ સ્થળોએ મહાપ્રસાદનું આયોજન થતું નથી એક માત્ર જૂનાગઢ જગન્નાથજી મંદિર દ્વારા રથયાત્રા સંપન્ન થયા બાદ મહાપ્રસાદ યોજવામાં આવે છે જેનો લાભ લેવા પણ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિએ જણાવ્યું છે.
રથયાત્રા મહોત્સવ અંતર્ગત ગઈકાલે રાત્રે ભજન સંધ્યા યોજાઈ ઃ વિષ્ણુ યાગ યજ્ઞ સંપન્ન તથા રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા
જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા મહોત્સવ અંતર્ગત રાત્રી-દિવસીય વિવિધ કાર્યક્રમો દ્વારા ધર્મમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે બુધવારે રાત્રે જગન્નાથજી મંદિર પાસે સ્વ. મુકુંદભાઈ સૂચક આયોજિત કૃષ્ણ ભક્તિ સંગીત સંધ્યાના ભવ્ય ભક્તિમય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. આ તકે વાતાવરણ જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્‌યું હતું. તો આ ઉપરાંત અષાઢી બીજના પૂર્વ દિવસે આજે સવારે મંદિર ખાતે રથયાત્રા મહોત્સવ અંતર્ગત ભવ્ય વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો હતો. શાસ્ત્રોક વિધિ પૂજન અર્ચના સાથે વિષ્ણુયાગ યજ્ઞ બપોરે સંપન્ન થયો હતો. તેમજ આજે રાત્રે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે સવારે ભગવાનનું શાહીસ્નાન ઉપરાંત ભગવાનને પ્રિય હાંડી ભોગ પ્રસાદ, મહાઆરતી, રાજભોગ તથા બપોરે ભવ્ય ભગવાનની નગરચર્યા અને રાત્રે ભોજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો દ્વારા જય જગન્નાથ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે શહેરનું વાતાવરણ ગુંજી ઉઠશે. આ તકે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તમામ શહેરીજનો ભાવિકોને રથયાત્રામાં ભગવાનના રથને દોરડાથી ખેંચવાનું પુણ્યનો લાભ લેવા અખબારી યાદી દ્વારા નિમંત્રિત કર્યા છે.

error: Content is protected !!