જૂનાગઢ શહેરની મધ્યમાં આઝાદ ચોકમાં આવેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજ રોજ ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન યુનિક અને આકર્ષક તો છે જ સાથે જ અહીં આવનારને પ્રકૃતિથી નજીક આવ્યાનો એક નવો અહેસાસ પણ થશે. અહીં તમને ઓર્ગેનિક ફૂડ આરોગવા મળશે જ. એ પણ તમને માટીના વાસણોમાં પીરસવામાં આવશે. આમ, એક સંપૂર્ણપણે ઓર્ગેનિક ફૂડ ખાવા અને એક નવા અનુભવ માટે એકવાર તો પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં અચૂક ભોજન લેવું જાેઈએ. આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની વિશેષતા જણાવતા પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા જણાવે છે કે, કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ આ કાફેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને લોકોનું પ્રકૃતિ સાથે અનુસંધાન કેળવાય તેની કાળજી લેવામાં આવી છે. સાથે લોકો પ્રકૃતિ પ્રેમ વિકસે અને પ્લાસ્ટિકનો વપરાશ નહીંવત્ પ્રમાણમાં કરવા પ્રેરાય તેને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની છતને આકર્ષક બનાવવા માટે તેમાં વાંસની સુંડલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત કાફેની દીવાલો ઉપર પણ આકર્ષક પેઇન્ટિંગ અને ફૂલઝાડને કંડારવામાં આવ્યા છે. આ કાફેની ડિઝાઇન વખતે તેમાં ઓછામાં ઓછી કોસ્ટમાં વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વુડન બેઈઝડ ફર્નિચર તૈયાર કરવામાં આવ્યું છે. આમ, અહીં આવતા લોકોને ભોજનમાં એક નવો અહેસાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન તૈયાર કરવામાં કલેકટર રચિત રાજના સીધા માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણી, પ્રોટેકશન આફિસર મુકેશ વાજસુર, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એ.જી. સોલંકી અને તેમની સમગ્ર ટીમ સહિતના અધિકારીઓ મદદરૂપ બન્યા હતા.
લોકો પ્લાસ્ટીકનો નહિવત ઉપયોગ કરે
૧લી જૂલાઇથી સિંગલયુઝ પ્લાસ્ટીક ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવનાર છે. ત્યારે જૂનાગઢના લોકો એક પહેલ કરી પ્લાસ્ટીકના નહિવત્ વપરાશ તરફ વળે અને સમાજમાં વ્યાપક જાગૃતિ ઉભી થાય તેવા આશય સાથે આ કાફે શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ આ કાફેમાં પ્લાસ્ટીક જમાં કરાવનાર લોકોને પ્રોત્સાહન સ્વરૂપે સરબત અને નાસ્તો પણ કરાવવામાં આવશે.
કાફેનું મહિલાઓ સંચાલન કરશે
રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ ઉપર ભાર આપી રહી છે તેને લક્ષમાં રાખીને આ કાફેનું સંચાલન મહિલાઓને સોંપવામાં આવ્યું છે. આ કાફેનું સંચાલન સર્વોદય સખીમંડળના બહેનો દ્વારા કરવામાં આવશે. ઉપરાંત લોકો પ્રાકૃતિક આહાર લેવા તરફ વળે અને પ્રાકૃતિક ભોજનથી થતા ફાયદાઓથી અવગત થાય તેવા શુભાસય સાથે આ કાફે શરૂ કરવામાં આવ્યું છે.