જૂનાગઢ શહેર સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રભરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ધર્મપ્રસંગને લઈ તડામાર તૈયારીઓ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. અષાઢી બીજને લઈ જૂનાગઢ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જયારે ભેંસાણનાં પરમધામ ખાતે ભવ્ય મેળાનું પણ આયોજન થયું છે આ ઉપરાંત વિવિધ ધાર્મિક જગ્યાઓ ઉપર અષાઢી બીજની ભવ્ય ઉજવણી માટેનાં આયોજનો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સંતો અને શૂરાની ભૂમિ સોૈરાષ્ટ્રમાં કોરોના કાળના બે વર્ષ ધર્મોત્સવોને બ્રેક લાગ્યા બાદ આ વર્ષે અષાઢી બીજનો મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવવા તડામાર તૈયારીઓ થઈ રહ્યાનાં અહેવાલો ગામે ગામથી મળ્યા છે. ભેંસાણ તાલુકામાં પરબધામ, ધોરાજી તાલુકામાં તોરણીયા અને જૂનાગઢ તાલુકાનાં મજેવડીમાં વર્ષોની પરંપરા મુજબ અષાઢી બીજનો ધર્મોત્સવ ધામધૂમથી ઉજવાશે જયાં દર વર્ષે મોટી ભીડ જમા થતી હોય છે. તો સોૈરાષ્ટ્રમાં ૩૦થી વધુ સ્થળોએ રથયાત્રાનાં આયોજન કરાયા છે. પરબવાવડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય ડીવાયએસપી, ૩ પીઆઈ, એસ.આર.પી. કંપની સહિત ૬૦૯ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સ્થળે મેળાનું પણ આયોજન કરાયું છે. ધાર્મિક ઉજવણીમાં લુખ્ખા તત્વો ન ઘુસે તેનાં ઉપર બાજ નજર રખાશે. પોલીસ સ્થળ ઉપર રાવટી નાખીને ચેકીંગ શરૂ કરી દેવાયું છે. જૂનાગઢનાં ગંધર્પવાડાનાં જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળશે. રાજકોટમાં નાનામવા અને ઈસ્કોન મંદિર દ્વારા કોટેચા ચોકથી અષાઢી બીજ રથયાત્રા ધામધૂમથી નીકળશે. આ બંને રથયાત્રાનાં રૂટ અને ધર્મસ્થાનો ઉપર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશનાં મંદિરમાં રથયાત્રા ઉત્સવ નિમિતે મંદિરનાં દર્શનનાં સાંજનાં સમયમાં ફેરફાર કરાયો છે અને સાંજે પ થી ૭ ઉત્સવનાં દર્શન રહેશે અને બાદ નિત્યક્રમ મુજબ દર્શનની વ્યવસ્થા રહેશે. મોરબીમાં અષાઢી બીજનાં દિવસે મહેન્દ્ર પરામાં આવેલ મચ્છુ માતાજીનાં મંદિરથી પરંપરાગત રથયાત્રા નીકળશે અને નગર દરવાજા, ગ્રીન ચોક ફરીને નદીનાં કિનારે આવેલ માતાજીનાં મંદિરે પૂર્ણ થશે. સોૈરાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ ઉપર યોજાનાર રથયાત્રાનાં રૂટનું પોલીસ ટીમો દ્વારા નિરીક્ષણ કરાયું હતું અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. વેરાવળ, પોરબંદર ઉપરાંત જામકંડોરણામાં સનાતન ધર્મ યુવક મંડળ દ્વારા અષાઢી બીજનાં દિવસે ભગવાન રામદેવજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે જે બપોરે ૩ વાગ્યે રામ મંદિરથી શરૂ થઈ ડંકી ચોક, બસ સ્ટેશન, બાલાજી ચોક થઈ પટેલ ચોકમાં પૂર્ણ થશે. જસદણ તાલુકાનાં આટકોટમાં વિખ્યાત મહાસતી લોયણ માતાજીનાં સ્થાનકે શુક્રવારે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરાશે. લુહાર, સુતાર જ્ઞાતિનાં હજારો ભાવિકો આ દિવસે ઉમટતા હોય છે. બગસરામાં પૂ. આપાગીગા ગાદી મંદિરની પ્રાચીન પરંપરા મુજબ શુક્રવારે સવારે ૭ વાગ્યાથી ધર્મોત્સવ ઉજવાશે. આમ, સોૈરાષ્ટ્રભરમાં અષાઢી બીજની ઉજવણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જાેવા મળી રહ્યો છે.