વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રારંભ

0

રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસની ગાથા વર્ણવતા “વંદે ગુજરાત વિકાસ રથ”ને પથ ઉપર નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યા બાદ ફ્લેગઓફ આપીને પથ ઉપર શુભારંભ કરાવતા કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લીધેલા ક્રાંતિકારી ર્નિણયોને કારણે ગુજરાત સિદ્ધિઓના શિખરે પહોંચ્યું છે. મંત્રી પટેલે ઉમેર્યું હતું એક સમયે ટેન્કર રાજ હતું પરંતુ આજે નલ સે જલ યોજનાના કારણે પીવાનું પાણી ઘરના દ્વારે પહોંચ્યું છે. જળ સંગ્રહ ક્ષેત્રે કરેલી અદભુત પ્રગતિ અંગે માહિતી આપતાં મંત્રી પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની ઉમદા ર્નિણય શક્તિને કારણે આજે સૌની યોજનાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચ્યું છે. પહેલાં ગણ્યા ગાંઠ્‌યા ચેકડેમો હતા જ્યારે આજે ૧ લાખથી વધુ ચેકડેમો છે. ૨૦ વર્ષના વિશ્વાસ સાથે શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ સહિતના દરેક ક્ષેત્રે જનતાનો સર્વાંગી વિકાસ સાધ્યો છે. જનતાની સુખાકારી માટે આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મહત્વની સાબિત થશે. નાગરિકોને ૨૦ વર્ષમાં કરેલા વિકાસ કામોની જાણકારી આપવામાં આવશે સાથે ઘર આંગણે વિવિધ યોજનાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમ મંત્રીએ રાઘવજીભાઇએ જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયાએ ૨૦ વર્ષમાં થયેલા વિકાસ કામોની રૂપરેખા આપીને કહ્યું હતું કે, વંચિતોના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક ઉજ્જળી તકોનું સર્જન કર્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે રાજકોટને મળેલી અમૂલ્ય ભેટ જેમ કે એઇમ્સ અને હિરાસર એરપોર્ટને યાદ કરતા કહ્યું હતું કે, અમારી સરકારે માત્ર ખાતમુહૂર્ત કરીને જ નહી પરંતુ એમનું લોકાર્પણ અમારી સરકાર દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના વિકાસકામોનું ડિજિટલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ, આવાસોની ચાવી અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. તેમજ ઔષધિય છોડ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા પ્રાસંગીક પ્રવચન અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. વધુમાં બેડી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નર ધીમંત કુમાર વ્યાસ, નિવાસી અધિક કલેકટર કેતન ઠકકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એન.આર. ધાધલ, અગ્રણી મનીષભાઈ ચાંગેલા, એ.પી.એમ.સી.નાં વાઇસ ચેરમેન વસંતભાઇ ગઢીયા, નિયામક સહિતના મહાનુભાવો, આમંત્રીતો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!