જૂનાગઢ શહેર – ગ્રામ્ય વિસ્તારમાં સીઝનનો ૩પ ટકા વરસાદ વરસી ગયો

0

સોરઠ ઉપર છેલ્લા એક અઠવાડીયાથી મેઘરાજા મહેરબાન બન્યા હોય, પાક-પાણીનું ચિત્ર ઉજળુ બની ગયું છે. દરમ્યાન ગઈકાલે મેઘરાજાએ સવારનાં ૧૧ કલાકે તોફાની બેટીંગ કરેલ અને બપોરનાં ર વાગ્યા સુધી ધમાકેદાર વરસાદ વરસી જતાં જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં માત્ર ત્રણ કલાકમાં જ ચાર ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. આ ઉપરાંત ગીરનાર અને દાતાર પર્વત ઉપર પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા ભરપુર વરસાદ વરસાવી દેતા જૂનાગઢ શહેરને પાણી પુરૂ પાડતો વિલિંગ્ડન ડેમ મોડીરાત્રે છલકાઈ ગયો હતો. આ ઉપરાંત કાળવા નદીમાં ગટરનાં વહેતા ગંદા પાણી સાફ થયા બાદ વહેણને વાળવામાં આવતા નરસિંહ સરોવરમાં પણ પાણીની ધીંગી આવક થવા પામી છે. આમ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સીઝનનો ૩પ ટકા જવો વરસાદ વરસી ગયો છે. ફલડ કન્ટ્રોલનાં છેલ્લા ર૪ કલાકનાં પ્રાપ્ત આંકડા મુજબ કેશોદ-૧૧, જૂનાગઢ શહેર ગ્રામ્ય – ૯૪, ભેસાણ-ર, મેંદરડા-૭૩, માંગરોળ – ૧૧૯, માણાવદર-૩૦, માળીયા હાટીના-૪૬, વંથલી-૬૩ અને વિસાવદરમાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે પણ વરસાદી માહોલ છવાયો છે પરંતુ મેઘરાજાએ થોડો વિરામ લેતા વરાપ નીકળતા ખેડૂતોમાં પણ રાહતની લાગણી છવાઈ છે. ફલડ કન્ટ્રોલમાંથી મળેલ આંકડા મુજબ માંગરોળમાં મધ્યરાત્રીનાં ર થી ૬ દરમ્યાન ૪.પ ઈંચ જેવું પાણી વરસી ગયું હતું. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડયો હતો કેમ કે, મનપા તંત્ર દ્વારા ગટરનાં કામમાં આડેધડ રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હોવાથી ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહનો ફસાઈ જવાનાં પણ બનાવો બન્યા હતા. આ ઉપરાંત દર વર્ષની જેમ ચોમાસામાં જાેષીપરાનો અન્ડર બ્રીજ પાણીમાં ગળાડુબ થતાં અવર-જવરનો રસ્તો બંધ થઈગયો હતો. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં જળાશયોની સ્થિતિ મુજબ મેંદરડા, વિસાવદર, ભેસાણ, માળીયા, માણાવદર અને જૂનાગઢ પંથકમાં આવેલા જળાશયોમાં પાણીની આવક થયાનું પણ જાણવા મળે છે.

error: Content is protected !!