ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ વિકાસ યાત્રાના ગઈકાલે બુધવારે બીજા દિવસે ખંભાળિયા તાલુકાના હર્ષદપુર, મોટા માંઢા, સામોર અને કલ્યાણપુર તાલુકાના મેવાસા, રાણ તેમજ ગઢકા ખાતે પહોંચ્યો હતો. જેને ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકાર્યો હતો. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજના વિષેની માહિતી મેળવી હતી. ઉપસ્થિત મહેમાનોને ઔષધિય છોડ આપીને આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષદપુર ગામે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રસિકભાઈ નકુમે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વિકાસનો રથ અવિરત ચાલી રહ્યો છે. આજથી વીસ વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો ગામડાઓમાં પાણીની અને વીજળીની મુખ્ય સમસ્યા હતી. લોકો એમ કહેતા કે જમવા સમયે વીજળી આવી જાય તો ઘણું. પણ હવે સમય બદલાઈ ગયો છે. ગમે તેવો વરસાદ હોય તો પણ વધુમાં વધુ પાંચથી છ કલાકની અંદર જ વીજપુરવઠો ફરી શરૂ થઈ જાય છે. જે રાજ્યના છેવાડાના ગામનો પણ વિકાસ દર્શાવે છે. માત્ર વીજળી અને પાણી જ નહીં પણ શાળાઓમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ગખંડોને સ્માર્ટ બનાવવામાં આવ્યા છે. આરોગ્ય, રોડ – રસ્તાઓનો પણ અનેરો વિકાસ થયો છે. વંદે વિકાસ યાત્રા કાર્યક્રમમાં વીસ વર્ષનો વિકાસ દર્શાવતી ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય શાખા અને આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આરોગ્ય કેમ્પ, કોરોના રસીકરણ, આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ, રક્તદાન કેમ્પ, પૂરક પોષણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળા ખાતે યોજાયેલી નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાથે પ્રભાતફેરી અને યોગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!