માંગરોળમાં ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા, હાલાકી

0

માંગરોળમાં મંગળવારે મધરાતથી ધોધમાર વરસાદ વરસતા બુધવારે બપોર સુધીમાં નવ ઈંચ વરસાદ ખાબક્ચો હતો. ભારે વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાત્રીના બે વાગ્યાથી મેઘરાજા મુશળધાર વરસતા સવારના છ વાગ્યા સુધીમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી ગોરંભાયેલા આકાશ વચ્ચે વરસાદ વરસવાનું ચાલુ રહેતા આઠથી બાર સુધીમાં વધુ ત્રણેક ઈંચ પાણી પડ્યું હતું. સતત વરસતા વરસાદને લીધે શહેરના બહારકોટમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. આ વિસ્તારમાં રસ્તો તદન ધોવાઈ જતા અનેક બાઈક ચાલકો પટકાયા હતા. શહેરના જુના બસસ્ટેન્ડ, બહારકોટ, મેમણવાડા, બંદરઝાંપા સહિતના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. રાજાશાહીના સમયનું શેખમીંયા તળાવ ભરાઈ જવા પામ્યું હતું. તાલુકાના મક્તુપુર, રહીજ, લોએજ, ઝરીયાવાડા, ફરંગટા, નાંદરખી, નગીચાણા, માનખેત્રા, રૂદલપુર, સુલતાનપુર, મેણજ, ગોરજ, ચંદવાણા, ઢેલાણા, લંબોરા, હુસેનાબાદ, આરેણા સહિતના આજુબાજુના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

error: Content is protected !!