કલ્યાણપુર પંથકના મુશળધાર વરસાદથી રાવલ વિસ્તારમાં ચિંતાનો માહોલ : નીચાણવાળા વિસ્તારના પાણી ભરાતા જિલ્લા તંત્ર દોડ્યું

0

કલ્યાણપુર તાલુકામાં આ સપ્તાહમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને બે દિવસ પૂર્વે એક સાથે એક જ દિવસમાં સાત ઈંચ સુધીના વરસાદથી નીંચાણવાળા ગામ રાવલ ખાતે વિવિધ પ્રકારે સમસ્યા ઊભી થઈ છે. જામ રાવલ ગામ તથા આસપાસના વિસ્તારમાં વરસાદના કારણે ઉપરવાસથી આવતા વરસાદી પાણી તથા હાલ સાની ડેમના પાટીયા નવા ન બન્યા હોવાથી આ સ્થળેથી રાવલમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેના અનુસંધાને ગઈકાલે બુધવારે સાંજે અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા તથા ટીડીઓ, પાલિકા પ્રમુખ વિગેરે આ સ્થળે દોડી ગયા હતા. રાવલ વિસ્તારમાં અગાઉ અનેક વખત મુશળધાર વરસાદના કારણે ભારે મુશ્કેલી સર્જાઈ હોય આગામી સમયમાં સ્થળ સમીક્ષા કરી અને પાણીના યોગ્ય નિકાલ થાય તે બાબતે તકેદારી રાખવા તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત વૃદ્ધો, અશક્તો અને સગર્ભા મહિલાઓની યાદી બનાવી જરૂર પડ્યે તેમને તુરંત જ સલામત સ્થળે ખસેડવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ અવિરત રીતે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન કલ્યાણપુર તાલુકામાં ૩૬ મી.મી. બાદ આજે સવારે વધુ અડધો ઈંચ મળી, કુલ બે ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામોમાં પણ ગઈકાલે આશરે અડધા ઈંચ સુધીના ઝાપટા વરસાદ બાદ આજે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાનો દૌર યથાવત રહ્યો છે.
આ લખાય છે ત્યારે સવારે ૧૧ વાગ્યે વરસાદના ઝાપટા ચાલુ છે અને શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. આમ, આજે સવારે પણ વધુ એક ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે ગઈકાલથી આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં એક ઇંચ જ્યારે ભાણવડ પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વરસાદના પગલે ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જાેવા મળી રહી છે.

error: Content is protected !!