જૂનાગઢનાં મંગલધામ-૧માં દિપડાના આંટાફેરાથી લોકોમાં ભય, પાંજરૂ ગોઠવવા માંગ

0

જૂનાગઢના મંગલધામ-૧માં છેલ્લા ૩ દિવસથી મોડી રાત્રિના દિપડાના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનું લખલખું પસાર થઇ ગયું છે. આ દિપડાએ એક શ્વાન અને શ્વાનના બચ્ચાનો શિકાર કર્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે કોઇ માનવી ઉપર હુમલો કરો કે શિકાર બનાવે તે પહેલા પાંજરૂ મૂકી દિપડાને પકડી લેવા સ્થાનિકોમાંથી માંગ ઉઠવા પામી છે. મંગલધામ-૧માં આવેલ વસુંધરા એપાર્ટમેન્ટ પાસે જ મોડી રાત્રિના દિપડાના આંટાફેરા વધી ગયા છે. છેલ્લા ૩ દિવસથી કૃષિ યુનિવર્સિટીમાંથી આવી આ દિપડો વસુંધરા એપાર્ટમેન્ટ પાસે આંટાફેરા મારે છે. અહિં દિપડાએ એક શ્વાન અને શ્વાનના બચ્ચાનો પણ શિકાર કર્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. શિકાર કર્યા બાદ દિપડો ખેતરમાં થઇ ફરી કૃષિ યુનિવર્સિટીમાં જતો રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે દિપડાના આવવાથી શ્વાનોમાં પણ નાસભાગ મચી જાય છે. ત્યારે શ્વાનોનો શિકાર કરતો આ દિપડો કોઇ માનવી ઉપર હુમલો કરે અથવા માનવીને શિકાર બનાવે તે પહેલા વસુંધરા એપાર્ટમેન્ટ પાસે પાંજરૂ ગોઠવવાની સ્થાનિક લોકોએ માંગ કરી છે. જયારે આ સમાચારને પગલે વન તંત્ર પણ દિપડાની શોધખોળમાં લાગી ગયું છે.

error: Content is protected !!