સાસણ ગીર નેશનલ પાર્ક ઉદ્યાનનો ચોમાસાનાં ચાર મહિના ૧૬ જુનથી ૧પ ઓકટોબર સુધી સંરક્ષિત વિસ્તાર બંધ રહે છે. આ ચોમાસાનાં સમયકાળ દરમ્યાન ઘણાં પર્યટકો ગીરની આબોહવાનો આનંદ માણવા આવી પહોંચે છે. ચોમાસામાં થોડો વરસાદ પડતાની સાથે જ ગીરનું જંગલ હરિયાળીથી ભરપુર છવાય જાય છે. જેની સાથે સાથે લીલોતરી ખીલી ઉઠતા એવું લાગે છે કે જાણે પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી હોય. ગીરનું ઈકોસિસ્ટમ ઘણું મોટુ છે. અને અહીં હિરણ, શેત્રુંજી, દાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, ગોદાવરી અને રાવલ નામની સાત નદીઓ વહે છે. અને આ નદીઓને ચોમાસામાં જાેવાનો આનંદ જ અનેરો છે. આ જંગલ ૧૪૧ર ચોરસ કિમીથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. અને સુકા પાનખર જંગલ તથા સવાનાં જંગલનું મિશ્રણ છે. ગીર જંગલમાં પ્રવેશતાની સાથે જ તમને અવનવી પ્રજાતિઓનાં પક્ષીઓ તથા પ્રાણીઓ ચોકકસ જાેવા મળી રહે છે. અને જાે રસ્તામાં ડાલામથ્થો સિંહ જાેવા મળી ગયો તો તો સમજી લો તમારી ટ્રીપ ઉપર ચાર ચાંદ લાગી ગયા. ચોમાસાની ઋતુ દરમ્યાન જાે તમે સાસણ ગીરની મુલાકાત ન લીધી તો સમજી લો તમે કુદરતનો અમુલ્ય નજારો જાેવાનું ચુકી ગયા છે તેમ જૂનાગઢનાં ફોટોગ્રાફર અલ્ફેઝ સલીમ ભટ્ટીએ જણાવ્યું હતું.