જૂનાગઢ શહેરમાં થોડા વરસાદમાં જ રસ્તામાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ સમસ્યાના ઉકેલની જવાબદારી મહાનગરપાલિકાની હોવા છતાં તેમના દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. ત્યારે મનપાના અણઘડ વહિવટના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય લોકોની સમસ્યાને વાચા આપવા કોંગ્રેસ દ્વારા ધરણાં અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે બપોરના ૧૨ઃ૩૦ વાગ્યે ધારાસભ્ય ભીખાભાઇ જાેષી અને શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલની આગેવાનીમાં મહાનગરપાલિકા કચેરી ખાતે ઘરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. આ તકે વોર્ડ નંબર-૪ના કોર્પોરેટર મંજુલાબેન પણસારા, વોર્ડ નંબર-૮ના કોર્પોરેટર રજાકભાઇ હાલા, વોર્ડ નંબર-૬ના કોર્પોરેટર લલીતભાઇ પણસારા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય બને છે કે ખરાબ રસ્તાઓથી વાહન ચાલકો અને નગરજનો ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહયા છે.