દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચકચારી સસ્તા અનાજ કૌભાંડ પ્રકરણમાં કોમ્પ્યુટર ઓપરેટરો સહિત વધુ એક ડઝન શખ્સો સામે ફરિયાદ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પ્રકાશમાં આવેલા સસ્તા અનાજને ગેરકાયદેસર રીતે રાખવા અંગેના તોતિંગ કૌભાંડમાં અગાઉ બે શખ્સો તથા એક વાહન ચાલક સામે ગુનો નોંધાયા બાદ પ્રાંત અધિકારી દ્વારા કડક વલણ અખતયાર કરી અને ભાણવડની સસ્તા અનાજની ચાર દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી, સરકારી ગોડાઉનમાં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની સામૂહિક બદલી કરી નાખી હતી. આ ધગધગતા પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારી પાર્થ કોટડીયાએ ઊંડાણપૂર્વકની તપાસનો દૌર જારી રાખીને વધુ કડક પગલું લઈને આ પ્રકરણમાં ભાણવડની મામલતદાર કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટર સહિત વધુ કુલ એક ડઝન જેટલા શખ્સો સામે ધોરણસર પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ સહિત સમગ્ર જિલ્લા ભરના સરકારી તંત્રમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકાના રૂપામોરા વિસ્તારમાં પુરવઠા તથા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન ગરીબોને આપવાનો થતો સરકારી સસ્તા અનાજનો જથ્થો રાખવા સબબ તંત્ર દ્વારા રૂપિયા રૂા.સવા નવ લાખના ઘઉં તથા ચોખાનો જથ્થો મળી, રૂપિયા ૧૬.૨૫ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે મુખ્ય બે આરોપી તથા વાહનચાલક સામે ગુનો નોંધ્યા બાદ જામનગરના એક વેપારીની પણ ધરપકડ કરી હતી. ગરીબોને આપવાના થતા સરકારી સસ્તા અનાજને કાળા બજાર કરીને ખુલ્લી બજારમાં વેચવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પુરવઠા અધિકારી પાર્થ કોટડીયાએ આકરી કાર્યવાહી કરી, ભાણવડ વિસ્તારના સસ્તા અનાજના ચાર દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા. આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા ભાણવડની મામલતદાર કચેરીના હંગામી કોમ્પ્યુટર ઓપરેટર એવા રૂપામોરા ગામના બાબુ જગાભાઈ કરેણ અને પરબત ખીમા કરમુર નામના બે શખ્સોએ જુદા જુદા ૧૦ વ્યક્તિઓ સાથે મેળાપીપણું કરી અને છેલ્લા થોડા સમય દરમ્યાન આ કેન્દ્ર સંચાલકો પાસેથી કુલ ૨,૦૪૬ વ્યક્તિઓના નામને ઉમેરી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો બારોબાર ડાયવર્ડ કરાવી પોતાના અંગત લાભ માટે કૌભાંડ આચાર્ય હોવાનું જાહેર થયું છે. ઉપરોક્ત બંને હંગામી કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા ખોટા દસ્તાવેજાે બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી, પ્રત્યેક આસામી દીઠ રૂા.૨૫૦ થી ૩૦૦નો લાભ લઈ અને સરકારી અનાજનો જથ્થો મેળવવા માટે નામનો ઉમેરો કરવામાં આવતો હતો. જે સંદર્ભે ઉપરોક્ત બંને શખ્સોની કબુલાત ઉપરથી ભાણવડની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર નિલેશભાઈ નાથાભાઈ કરમુર દ્વારા ઉપરોક્ત બંને કોમ્પ્યુટર ઓપરેટર ઉપરાંત રમણીક ગોવિંદભાઈ રાઠોડ, ભાણવડ મહિલા ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડના વહીવટકર્તા પોપટસિંહ જાડેજા ઉર્ફે નરેન્દ્રસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર અનુસૂચિત જનજાતિ ઉ. મંડળીના વહીવટકર્તા મેહુલ ભીખુભારથી ગોસ્વામી તથા તેના દુકાનદાર, હિરેન આત્મારામ ગોંડલીયા, ભેનકવડ સસ્તા અનાજની દુકાનના વહીવટકર્તા મનસુખ કારેણા, રામ ડાડુ કરમુર, નગીન અરજણ બરાઈ, પ્રકાશ રતિલાલ કુંડલીયા તથા તેની દુકાનના સંચાલક કેતન રાઠોડ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ત્રણેક વર્ષથી અંગત લાભ માટે સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાના આ સમગ્ર પ્રકરણમાં ભાણવડ પોલીસે ઉપયોગ શખ્સો સામે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણની આગળની તપાસ એસઓજી વિભાગના પી.એસ.આઈ. પી.સી. સીંગરખીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ ચકચારી કૌભાંડ પ્રકરણમાં વધુ કેટલાક શખ્સોના નામો પણ ખૂલવાની સંભાવના વચ્ચે પ્રાંત અધિકારી-જિલ્લા પુરવઠા અધિકારી તેમજ પોલીસની આ કડક કામગીરીથી કૌભાંડી તત્વો ભોંભીતર થઈ ગયા છે.

error: Content is protected !!