જૂનાગઢ સિવિલમાં એક દર્દીને જીવિત અને બીજા દર્દીને મૃત બતાવવાની ઘટનામાં એક તબીબ અને બે નર્સિંગ સ્ટાફ સામે આકરા પગલા લેવાયા

0

જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી દાખવનાર તબીબ તેમજ ૨ નર્સિંગ સ્ટાફ સામે સિવીલ સુપ્રિટેન્ડેન્ટે આકરા પગલાં લીધા છે. તબીબીને છૂટા કરી દીધા છે. જ્યારે ૨ નર્સિંગ સ્ટાફને સજાના ભાગરૂપે ૧૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેતા અન્ય બેદરકાર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી હતી. આમાં એક દર્દી જે જીવિત હતો તેને મૃત જાહેર કરી દીધો હતો. જ્યારે જે મૃત્યું પામ્યો હતો તે દર્દીને સિવીલમાંથી નાસી ગયાનું દર્શાવાયું હતું. સિવીલના તબીબી સ્ટાફની આ ઘોર બેરદકારીના કારણે બંને દર્દીના સગા-વ્હાલામાં દોડધામ મચી જવા પામી હતી. બાદમાં આ મામલે જાણવા મળ્યું હતું કે, જેને મૃત્યું પામેલ જાહેર કર્યો છે તે જીવિત છે અને ઘરે પહોંચી ગયો છે. જ્યારે જેને નાસી ગયાનું બતાવ્યું હતું તે દર્દીનું મૃત્યું થયું હતું. આમ, સિવીલના તબીબની બેદરકારીના કારણે બે પરિવારોને દોડધામ વધી ગઇ હતી. આ અંગેની રજૂઆત બાદ સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે તુરત આકરા પગલાં લઇ આ બનાવમાં એક તબીબને છૂટા કરી દીધા છે. જ્યારે અન્ય ૨ નર્સિંગ સ્ટાફને ૧૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ અંગે સિવીલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, બિનવારસી દર્દીઓમાં ટેગ લગાવેલ હોય છે જેથી ઓળખ થઇ શકે. તમામને ટેગ મારેલા હતા પરંતુ કોઇએ તમામ ટેગ કાપી નાંખ્યા હતા અને પછી ભાગી ગયા હતા. પરિણામે આ ભૂલ થવા પામી હતી. તેમ છતાં દર્દીના નામમાં ફેર થઇ જાય તે ગંભીર ભૂલ જ ગણાય માટે આકરા પગલાં લીધા છે જેથી ભવિષ્યમાં કોઇ કર્મચારી-અધિકારી આવી ગંભીર ભૂલ ન કરે.

error: Content is protected !!