બિલખામાંથી એસઓજીએ રૂા. ૧૦ લાખથી વધુની કિંમતનો બીનઅધિકૃત અનાજનો જથ્થો પકડી પાડયો

0

જૂનાગઢનાં બિલખામાં આવેલ અલગ અલગ ગોડાઉનોમાંથી રૂા. ૧૦,૩પ,૪૯૦ની કિંમતનો બીનઅધિકૃત અનાજનો જથ્થો જૂનાગઢ એસઓજીએ પકડી પાડયો હતો.
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અનાજનું ગેરકાયદેસર વેંચાણ કરતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા એસઓજી જૂનાગઢનાં પીઆઈ એ.એમ. ગોહિલ તથા પીએસઆઈ જે.એમ. વાળા તથા પોલીસ સ્ટાફનાં માણસો સતત પ્રયત્નશીલ હોય જે અન્વયે એસઓજીનાં પો.કો. શૈલેન્દ્રસિંહ સીસોદીયા તથા અન્ય સ્ટાફે ખાનગી રાહે હકીકત મળેલ કે બિલખા બગસરા રોડ, ભલગામ માધવ મીલનાં ગોડાઉનમાં તથા બિલખા, નવાગામ જૂનાગઢ રોડ ઉપર છેલૈયા ધામ સામે આવેલ ગોડાઉનમાં તથા બિલખા ઉમરાળા રોડ, જામા મસ્જીદ પાસે રોડ ઉપર યા અલ્લા લખેલ ગોડાઉનમાં બીનઅધિકૃત અનાજનો જથ્થો રાખેલ હોય જે બાબતે રેડ કરતાં કુલ રૂા. ૧૦,૩પ,૪૯૦ની કિંમતનો બીનઅધિકૃત અનાજનો જથ્થો પકડી પાડેલ અને આગળની કાર્યવાહી માટે બિલખા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર પાણીપુરીનાં ધંધાર્થી ઉપર ત્રણ શખ્સોનો હુમલો
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર ગતરાત્રે ત્રણ લુખ્ખાઓએ પાણીપુરીની લારી ધરાવતા યુવાનને રોડ અમારા બાપનો છે કોઈ પાસેથી પૈસા લેતો નહી તેમ કહી પાઈપ વડે હુમલો કરી લારીમાં તોડફોડ કર્યાની ફરિયાદ થતા બી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરનાં ઝાંઝરડા રોડ ઉપર મહેશનગર વિસ્તારમાં રહેતા અને પાણીપુરીની લારી ધરાવતા શેરસિંહ લચ્છીરામ કુશવાહા(ઉ.વ.ર૭) અને તેનો ભાઈ ઘનશ્યામ ગતરાત્રે દસેક વાગ્યે ઝાંઝરડા રોડ ઉપર તીર્થ એપાર્ટમેન્ટ પાસે પાણીપુરીની લારીએ હતા. ત્યારે નંબરપ્લેટ વગરનાં કાળા કલરનાં એકટીવા ઉપર ત્રણ અજાણ્યા શખ્સ પાઈપ સાથે આવ્યા હતા અને શેરસિંહને આ રોડ અમારા બાપનો છે તું કોઈ પાસેથી પૈસા લેતો નહી તેમ કહ્યું હતું. શેરસિંહે સમજાવતા આ ત્રણેયે પાઈપ વડે હુમલો કરી શેરસિંહને માથામાં ઈજા કરી હતી અને લારીમાં તોડફોડ કરી હતી. દેકારો થતા લોકો એકત્ર થઈ જતા આ લુખ્ખાઓ આજ તો તું બચી ગયો છો બીજી વખત અમારી સામે થઈશ તો મારી નાખશું એવી ધમકી આપી નાસી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવીઝન પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો. પોલીસની ગાડીમાં ઈજાગ્રસ્ત શેરસિંહને સીવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. આ અંગે તેણે ફરિયાદ કરતા પોલીસે ત્રણેય અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં બે સ્થળે જુગાર દરોડા ૧૦ ઝડપાયા – ૮ મહિલા છૂ…
જૂનાગઢમાં પોલીસે બે સ્થળે જુગાર દરોડા પાડી ૧૦ને ઝડપી લીધા હતા. જયારે ૮ મહિલા નાસી ગઈ હતી. જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ધારાગઢ દરવાજા રોડ, નગીના ખાણમાં રેડ કરી જાહેરમાં જુગાર રમી રહેલા ૮ શખ્સોને ઝડપી લઈ કુલ રૂા. ૧૧,૪૭૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે બિલખા રોડ આંબેડકનગર પાણીના ટાંકા પાસે પોલીસે બે શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ રૂા.ર૧,૩૪૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે રેડ દરમ્યાન ૮ મહિલાઓ પણ જુગારમાં સામેલ હોય તેને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.
બોડકા ગામેથી ૬ જુગારી ઝડપાયા
માણાવદર પોલીસે બોડકા ગામે રેડ કરી જુગાર રમી રહેલા ૬ શખ્સોને ઝડપી લઈ રૂા. ૩૧૬૦નો મુદામાલ કબ્જે કરી પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

સિવિલ હોસ્પીટલનાં પટાંગણમાંથી બાઈકની ચોરી
જૂનાગઢનાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા નીતીનભાઈ હરેશભાઈ કવાએ તેનું બાઈક નં. જીજે-૧૧-બીએસ- ૭૦૭ર સિવિલ હોસ્પીટલનાં પટાંગણમાં રાખેલ અને ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

જૂનાગઢ : સગીરાનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો
જૂનાગઢમાં રહેતા એક પરીવારની સગીરવયની પુત્રીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ભગાડી જતાં આ બનાવમાં એ ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી પીએસઆઈ બી. કે. ચાવડાએ તપાસ હાથ ધરી છે.

ત્રણ લાખની લાંચ લેતા પકડાયેલા નાના મુંજીયાસરનાં સરપંચનાં જામીન નામંજુર
બગસરા તાલુકાનાં નાના મુંજીયાસરનાં સરપંચ મનસુખભાઈ બચુભાઈ કયાડા(ઉ.વ.પપ)ને જૂનાગઢનાં બિયારણનાં વેપારી પાસેથી ત્રણ લાખની લાંચ લેતા એલસીબીએ પકડી લીધા હતા અને તેની સામે ગુનો દાખલ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવી જેલ હવાલે કર્યા હતા. દરમ્યાન મનસુખ કયાડાએ જામીન માટે અરજી કરી હતી. જેને જૂનાગઢ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ રોહેન કે. ચુડાવાલાએ નામંજુર કરવા હુકમ કર્યો હતો.
જયારે કેશોદ પોલીસે ગડુનાં વિજયભાઈ વશરામભાઈ ચૌહાણને વિદેશી બોટલ સાથે ઝડપી લીધો હતો.

કેશોદમાં દુકાનનાં ઝઘડાનાં મનદુઃખમાં હુમલો
કેશોદમાં જુમ્મા મસ્જીદ પાસે હુમલાનો બનાવ બન્યો હતો. પોલીસમાં ફરીયાદી હનીફભાઈ હસનભાઈ સોઢાએ યાકીબ રજાકભાઈ મહીડા અને વસીમ મહંમદભાઈ મહીડા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં નાના ભાઈ ઈકબાલભાઈ સાથે તેના સાળાઓને દુકાન બાબતે અગાઉ ઝઘડો થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુ વડે માર મારી, તલવાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉના નજીકથી બોલેરોમાંથી રૂા. પાંચ લાખનો દારૂ ઝડપાયો
ઉના પોલીસે બેડીયાથી ઉમેજ ગામ પાસેનાં પાતાપુર ગામે એક બોલેરો રેઢી પડી હતી જેની તલાશી લેતાં વિદેશી દારૂની બોટલ નંગ ર૦૬૪ જેની કિંમત રૂા. પાંચ લાખ તેમજ બોલેરો કિંમત રૂા. ૪ લાખ મળી કુલ ૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ઉમેજ ગામના દિપુ ઉર્ફે દિપસિંહ ઉકાભાઈ જાદવે મંગાવેલ હોય તેની સામે તથા બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે.

error: Content is protected !!