દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની અમિવૃષ્ટી અવિરત રીતે વરસી રહી છે. હાલ છેલ્લા દિવસોમાં મુશળધાર વરસાદથી જિલ્લાના અનેક શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબતર બન્યા છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ખેતરો જાણે તળાવ બની ગયા છે. જે અંગેના જુદા-જુદા પ્રકારના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આનાથી ચિંતાનો માહોલ પણ જાેવા મળે છે. દેવભૂમિ દ્વારકા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે શુક્રવારે સવાર સુધીમાં આઠેક ઈંચ સુધીના ભારે વરસાદ બાદ પણ દ્વારકા પંથક મેઘરાજાનો મુકામ બન્યો હતો. ગઈકાલે શુક્રવારે સવારે ૧૦ વાગ્યાથી આજે સવારે ૬ વાગ્યા સુધી દ્વારકા તાલુકામાં વધુ ચાર ઈંચ(૧૦૦ મીલીમીટર) વરસાદ વરસી ગયો હતો. જેનાથી ઇસ્કોન ગેઈટ, રેતવા પાડો, રૂપેણ બંદર, વિસ્તાર જેવા નિંચાણવારા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું હતું અને જરૂરી કામગીરી કરી હતી. આ સાથે દ્વારકા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સાડા સતર ઈંચ (૪૩૫ મિલીમીટર) વરસી જતા કુલ ૮૨ ટકા વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવીરત રીતે મેઘમહેર વરસી હતી. ગઈકાલે શુક્રવારે આખો દિવસ ગાઢ વરસાદી વાદળાની જમાવટ વચ્ચે ભારે ઝાપટાનો દૌર અવિરત રીતે ચાલુ રહ્યો હતો. આમ, આજે સવારે ૧૦ વાગ્યે ૨૪ કલાક દરમ્યાન ખંભાળિયા તાલુકામાં વધુ ચાર ઈંચ (૯૫ મીલીમીટર) પાણી વરસી ગયું છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાવર્ત્રિક અને મુશળધાર વરસાદ હોવાથી મોટાભાગના જળાશયો તરબતર બન્યા છે. હાલ તાલુકામાં જળ સપાટી ઊંચી આવતા ઉભા મોલને વ્યાપક ફાયદો જાેવા મળી રહ્યો છે. ખંભાળિયા તાલુકામાં આજે સવાર સુધીમાં કુલ સાડા પચીસ ઈંચ (૬૩૨ મી.મી.) વરસાદ વરસી ચુક્યો છે. જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા દિવસોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ કલ્યાણપુર તાલુકાનો વરસાદ ત્રણ ઇંચ જેટલો (૬૯ મી.મી.) નોંધાયો છે. ગત રાત્રિના પણ કલ્યાણપુર તાલુકામાં અવીરત રીતે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. છેલ્લા દિવસોમાં કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ગઈકાલે રાવલ ગામ નજીકનો વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કલ્યાણપુર તાલુકામાં આજે સવાર સુધીમાં કુલ સાડા સતર ઈંચ(૪૩૮ મિલિમિટર) વરસાદ વરસી ચુક્યો છે. ભાણવડ તાલુકામાં પણ ગઈકાલે સતત વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સવારે ૧૦ વાગ્યાથી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ભાણવડ તાલુકામાં વધુ સાડા ત્રણ ઈંચ (૬૦ મી.મી.) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. આ સાથે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ભાણવડ તાલુકામાં બાર ઈંચ (૩૦૦ મીલીમીટર) નોંધાયો છે. આજરોજ શનિવારે તથા આવતીકાલે રવિવારે હવામાન વિભાગ દ્વારા અગાઉ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં વાતાવરણમાં ઠંડક વચ્ચે મહદ અંશે મેઘ વિરામ જાેવા મળી રહ્યો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૩.૧૮ ટકા વરસી ચૂક્યો છે. જિલ્લામાં અનેક ખેતરો તળાવ બની ગયા છે, ત્યારે મેઘરાજા હવે થોડો સમય વિરામ રાખે તેમ ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે.
ખંભાળિયાના ઘી ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો
ખંભાળિયા પંથકના આ વર્ષે ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાની મહેર વરસી છે. શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ સાથે ખંભાળિયા- ભાણવડ પટ્ટીના ગામોમાં ભારે વરસાદ અને મોટાભાગના જળાશયો છલકાઈ જતા ખંભાળિયા શહેરને પાણી પૂરૂ પાડતા તથા સિંચાઈ માટે પણ મહત્વના એવા ઘી ડેમની સપાટીમાં દોઢ ફૂટ જેટલો વધારો થતાં ઘી ડેમની સપાટી ૧૪ ફૂટ ઉપર પહોંચી ગઈ છે. ૨૦ ફૂટની ઊંડાઈ ધરાવતો ઘી ડેમ હવે નજીકના ભવિષ્યમાં ઓવરફ્લો થઈ જાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.