જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ વરસી રહયો હોવાથી ડામર રોડ તો સાવ ધોવાઈ ગયા છે. એમાં પણ ગટરનાં આડેધડ થયેલા ખોદકામને લીધે તેમજ ખાનગી કંપનીઓએ પણ કામમાં વેઠ ઉતારતા ઠેરઠેર ખાડા પડી ગયા છે આ ઉપરાંત જયાં ખાડા પડેલા છે તેને બુરવામાં માત્ર માટી જ પાથરી દેવામાં આવતા નાના-મોટા વાહનો ફસાઈ જવાનાં બનાવો સામાન્ય બન્યા છે. ગઈકાલે પણ ભારે વરસાદને પગલે મોતીબાગ સર્કલ સહિતનાં વિસ્તારોમાં એસટી બસ, રીક્ષા સહિતનાં વાહનો ખાડામાં ધરબાઈ ગયા હતા. આ પરિસ્થિતિ બાદ મનપા તંત્રની ઉંઘ ઉડી હોય તેમ રસ્તાઓ ઉપર જયાં જયાં ખાડા પડી ગયા છે ત્યાં કાંકરી પાથરવાનું શરૂ કર્યુ હોવાનું જાેવા મળે છે.