ગુરૂપૂર્ણિમાનું પર્વ આજે મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજના આ અવસરે જગતગુરૂ કૃષ્ણને કેમ ભુલાય ! ભગવદ ગીતામાં કૃષ્ણએ જ્યારે અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે કહ્યું કે, આખું જગત મારામાં સમાયેલું છે, તું તારા બધા કર્મોને મને અર્પીને મારે પરાયણ થા. એટલું જ નહિ મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે, ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા લે છે કે આવતી કાલે કાં હું નહિ અથવા અર્જુન નહિ ત્યારે કૃષ્ણ દોડતા અર્જુન પાસે જાય છે અને જુએ છે તો એ તો આરામથી નિંદ્રા કરે છે, પોતાને મારવાની ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી અર્જુન કહે છે કે, મારી ચિંતા કરવાવાળા નિત્ય જાગે છે, જે તમે છો. ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયના ભક્તિ પોષણ, શિક્ષાપત્ર સહિતના અનેક પુસ્તકોમાં પણ ઉલ્લેખ આવે છે કે જે માણસ શ્રીકૃષ્ણ ઉપર બધું છોડી એનો આશ્રય કરે તો તેના કાર્ય પ્રભુ જરૂર પાર પડે પરંતુ તે માટે દ્રઢ આશ્રય અને દ્રઢ વિશ્વાસ હોવો જરૂરી છે. કારણ કે જ્યાં યોગેશ્વર હોય ત્યાં વિજય જ હોય છે.