જૂનાગઢમાં યુવાનને પોલીસે તત્કાલ મદદ કરતા તેમનાં પરિવારમાં રાહતની લાગણી વ્યાપી

0

હાલમાં જુદી જુદી ગેંગ દ્વારા ફેસબુકના માધ્યમથી મહિલાના આઈડી બનાવી, રિકવેસ્ટ મોકલી, વોટ્‌સએપ નંબર મેળવી, મહિલા દ્વારા મીઠી મીઠી વાતો કરી, કોઈપણ ઉંમરના વ્યક્તિને ભોળવી, વીડિયો કોલ કરી, કપડા ઉતરાવી, વિડીઓ બનાવી, બનાવેલ વીડિયો ફેસબુકમાં અપલોડ કરવાની ધમકીઓ આપી, પૈસા પડાવતી ઘણી બધી ગેંગ સક્રિય થયેલ છે. આવી ગેંગના મહિલા સભ્ય દ્વારા વીડિયો કોલિંગ કરી, ફેસબુક એકાઉન્ટ ધારક સામે પોતે પણ કપડા ઉતારે છે અને ફેસબુક ધારકને પણ કપડાં ઉતારી, નગ્ન કરવામાં આવે છે અને તેનો વીડિયો મોકલી, ફેસબુકમાં અપલોડ કરવાની ધમકી આપી, પ્રથમ પંદર હજારથી વિસ હજારની માંગણી કરી, જેમ જેમ ફેસબુક ધારકને આબરૂ જવાની બીક કે ડર લાગે એમ રકમ વધારતા જાય છે અને આ રકમ લાખો સુધી પહોંચી જાય છે. આવા ફેસબુક ધારક આબરૂ જવાની બીકે કોઈને વાત કરતો નથી અને મનોમન મુંજાય અને રૂપિયા નાખતો રહે છે. એ દરમ્યાન આ જ ગેંગના અન્ય સભ્ય ટ્રૂ કોલરમાં સીબીઆઈ ઓફિસર કે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર વિક્રમ રાઠોડ કે અન્ય નામથી સેટ કરી, ફેસબુક ધારકને પતાવટ માટે ફોન કરતા હોય, પોલીસ ઓફિસરના નામ ટ્રૂ કોલરમાં ફોટા સાથે જાેતા, વધુ ગભરાઈ જાય છે અને ફેસબુક ધારક વધુ રૂપોયા બેંકના ડમી એકાઉન્ટમાં નાખે જ રાખે છે. ઘણી વાર રૂપિયાની સગવડ નહીં થવાથી આબરૂ જવાના ડરના કારણે લોકો આત્મહત્યા સુધીના પગલાઓ ભરી લેતા હોય છે. આવી ઘણી બધી ગેંગ પકડાયેલ પણ છે. પરંતુ, તેમ છતાં ઘણા નવા નવા આ મોડસ ઓપરેન્ડીથી અજાણ લોકો આ ગેંગનો ભોગ બનતા હોય છે. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવી સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ કરી, ફેસબુક ફ્રેન્ડ બનાવી, લોકોને બ્લેકમેલ કરવાનો ડર બતાવી, રૂપિયા ખંખેરતી તથા આબરૂ જવાની બીકે આત્મહત્યા સુધી દોરી જતી, ફેસબુક ગેંગ બાબતે લોકોને સાવચેત કરી, ફરિયાદ કરવા આગળ આવવા જાગૃતિ લાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવેલ છે. ચાલુ સપ્તાહમાં જૂનાગઢ શહેરના પોશ વિસ્તારમાં રહેતા સારા ઘરના, શિક્ષક, વેપારી અને ખેડૂત સહિત ચાર લોકો પણ આવી ગેંગનો શિકાર બન્યા હતા. શિકાર બન્યા બાદ પોતાની આબરૂ જવાની બીકે પોતે મુંજાયા હતા. મનમાં ઘણા બધા વિચારો અને કાલ્પનિક ભય ઉતપન્ન થતા, આત્મહત્યા સુધીના વિચારો આવ્યા હતા. ખૂબ જ મુંજાયા બાદ આ યુવક ક્રમશઃ જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી, વાત કરી, પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર મહિલાના નામથી રિકવેસ્ટ આવ્યાની વાત કરતા, ડીવાયએસપી જાડેજા દ્વારા બાકીના બનાવની તમામ વાત તમામ યુવકને કરી દેતા અને હવે એ યુવતી રૂપિયા માંગતી હશે અને તમને કોઈ પોલીસ ઓફિસરના ટ્રૂ કોલર વાળો ફોન પણ આવેલ હશે તેવું અરજદારોને જણાવતા, અરજદારો અચંબામાં પડી ગયા હતા. યુવકને ફોન ઉપર આજે સાંજ સુધી રૂપિયાની સગવડ કરતો હોવાની વાત કરવા સલાહ આપી હતી અને અરજદાર વધારે પડતા ગભરાઈ ગયેલ હોય, સાંજે ફરીથી ફોન આવે ત્યારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, એવું જણાવી, જરા પણ ચિંતા નહિ કરવા જણાવી, સાંત્વના આપી, અરજદારો દ્વારા મહિલાને સાંજના સાત વાગ્યા સુધી વ્યવસ્થા કરવાની લાલચ આપતા, ફોન બંધ થયેલ હતા અને સાંજે અરજદારોને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હવે ફોન આવે ત્યારે મહિલાને તે મહિલાનો નંબર અને રેકોર્ડિંગ પોતે શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આપી દીધા છે, હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમને રૂપિયા આપવાની ના પાડેલ છે, એવું જણાવી, જરૂર પડે તો અમારો નંબર આપી દેવા જણાવેલ હતું. ત્યારબાદ મહિલા તથા તેની ગેંગના સભ્યોના ફોન આવતા, અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસ દ્વારા સમજાવ્યા પ્રમાણે પોતે તમામ નંબર ક્રાઇમ બ્રાન્ચને આપી દીધાનું જણાવતા, ગેંગના ફોન બંધ થયેલ હતા અને અરજદારોને રાહત થઈ હતી. જૂનાગઢ પોલીસની સલાહ અને મદદ કરવાના કારણે અરજદારોને રાહત થયેલ હોય, અરજદારો રૂબરૂ મળી, પોતે મહિલા સાથેના વીડિયો જાહેર થશે તો, પોતાના સમાજમાં અને કુટુંબમાં શું મોઢું દેખાડશે ? એવું વિચારી આપઘાત કરવાનો પણ વિચાર કરેલ અને છેલ્લી આશાના સહારે જૂનાગઢ પોલીસને મળતાં, પોતાનો જીવ બચ્યાની વાત કરી, રડવા લાગેલ અને જાે પોતે પોલીસને ફોન ના કર્યો હોત તો, પોતે આત્મહત્યા જ કરતો અને કદાચ હું મારા માતા-પિતા કે કુટુંબના કોઈને આજે મળ્યો ના હોત, એવું જણાવી, રડમસ ચહેરે, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો. એક અરજદાર એટલો બધો ડિપ્રેશનમાં આવી મુંજાઈ ગયેલો કે રાતના સમયે વાડીના રસ્તેથી પસાર થતા, બે સિંહને જાેઈ જતા, સામે ચાલીને સિંહોની નજીક ગયેલ અને પોતાને ફાડી ખાય તો, લોકોને એવું લાગશે કે સિંહ દ્વારા હુમલો કરતા મોત થયેલ છે અને આબરૂ બચી જશે ! સોશ્યલ મીડિયાના ગેર ઉપયોગના લાલબત્તી સમાન આ કિસ્સાનો ભોગ બનેલા અરજદારોને જૂનાગઢ પોલીસ દ્વારા હવેથી સાવચેતી રાખવા સલાહ પણ આપવામાં આવી હતી. જૂનાગઢ શહેરના જ સંખ્યાબંધ લોકો, આ ફેસબુક ફ્રેન્ડ બનાવતી ગેંગના શિકાર બન્યા છે, જેમાં યુવાનથી માંડીને વયોવૃદ્ધ લોકો ભોગ બન્યા છે, જે તમામ લોકોને જૂનાગઢ પોલીસ તરફથી સહકાર આપી, ઘણા લોકોને આવી ગેંગના ભયમાંથી બહાર કાઢયા છે, ત્યારે જૂનાગઢ પોલીસ તરફથી આવી મહિલા ફેસબુક ફ્રેન્ડથી દુર રહેવા અને કદાચ ફ્રેન્ડ બનાવે તો, વિડીયોકોલની જાળમાં નહીં ફસાવવા ખાસ વિનંતી કરવામાં આવે છે. ફસાઈ ગયા પછી આવી ગેંગથી ગભરાવવા કરતા પોલીસને જાણ કરવા તેમજ આવી ગેંગને પોલીસને જાણ કરી હોવાનું જણાવી, પીછો છોડાવવા પણ જાણ કરવામાં આવે છે. લોકોની જાગૃતિ માટે અને આવું કૃત્ય થયા પછી, આવી ગેંગના ડરના કારણે કે સમાજમાં આબરૂ જવાની બીકે કોઈ અજુગતું પગલું પણ નહીં ભરવા, બલ્કે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરવા, પોલીસમાં ફરિયાદ કરવા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તરફથી જાણ કરવામાં આવે છે.

error: Content is protected !!