ઓખા રેલ્વે સ્ટેશન ઉપરથી તાજેતરમાં આર.પી.એફ.ને મળી આવેલા પશ્ચિમ બંગાળના ચૌદ વર્ષીય બાળક સંદર્ભે ઓખા રેલવે પોલીસ દ્વારા ચાઈલ્ડલાઈન ૧૦૯૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં ખંભાળિયા રેલવેસ્ટેશન ઉપર ચાઈલ્ડલાઈન ૧૦૯૮ની ટીમને આ તરૂણનો કબજાે સોંપવામાં આવ્યો હતો. જ્યાં તેનું કાઉન્સેલીંગ કરી તેના પિતાનો સંપર્ક કરાયા બાદ તરૂણને સી.ડબલ્યુ.સી. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચંદ્રશેખર બુધભટ્ટી સમક્ષ રજૂ કરીને તેને તાત્કાલિક ખંભાળિયાના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રાખવામાં આવ્યો હતો. આ સાથે આપેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડલાઈન દ્વારા બાળકના વાલી સાથે સંપર્કમા રહીને આ તરૂણના વાલીને જરૂરી આધાર પુરાવાની ખરાઇ કરી સી.ડબલ્યુ.સી. દ્વારા તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. આમ, કોઈપણ સ્થળે ખોવાયેલા અને મળી આવેલા બાળકો માટે ચાઈલ્ડલાઈન ૧૦૯૮ નંબર ડાયલ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.