દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક મેઘમાહેરથી ગઢકી ડેમ છલકાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન હળવા તથા ભારે ઝાપટા સાથે કલ્યાણપુર તાલુકામાં વધુ અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે ખંભાળિયા તાલુકાનો ગઢકી ડેમ છલકાઈ ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે ધૂપ છાંવભર્યા માહોલ વચ્ચે ઉઘાડ જાેવા મળ્યો હતો. જાે કે, દિવસ દરમ્યાન હળવા ઝાપટાં વરસતા ખંભાળિયામાં ૨૪ કલાક દરમ્યાન અડધો ઇંચ વરસાદ વરસી ચુક્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયા તાલુકામાં વરસતા જિલ્લાનો સૌથી પ્રથમ મોટો એવો ખંભાળિયાના સિદ્ધપુર ગામ પાસે આવેલો ૩૦ મીટરનો ગઢકી ડેમ ગત રાત્રે ૦.૧૬ ફૂટે છલકાઈ ગયો છે. આના અનુસંધાને આ ડેમમાં થતી પાણીની આવકમાંથી ૮૫ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવે છે. આ ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના સિદ્ધપુર તથા ધુમથળ ગામોને એલર્ટ કરી, નદીના પટમાં અવાર-જવર નહીં કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આજે સવારે ખંભાળિયા પંથકમાં ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતા ખાસ કરીને ધરતીપુત્રોએ રાહતની લાગણી અનુભવી છે. આજે સવારે ૮ વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં અઢી ઈંચ(૬૪ મીલીમીટર), ખંભાળિયામાં ૧૧ મીલીમીટર, દ્વારકામાં સાત મીલીમીટર અને ભાણવડમાં એક મીલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા તાલુકામાં ૯૯ ટકા, ખંભાળિયા તાલુકામાં ૯૭ ટકા, કલ્યાણપુર તાલુકામાં ૬૧ ટકા અને ભાણવડ તાલુકામાં ૪૬ ટકા નોંધાયો છે. આમ, જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૬ ટકા જેટલો વરસી ચુક્યો છે. ખંભાળિયા શહેરને પાણી પુરૂ પાડતા ઘી ડેમની સપાટી સાડા સતર ફૂટે તેમજ જામનગર રોડ ઉપર આવેલા સિંહણ ડેમની સપાટી ૨૦ ફૂટ સુધી પહોંચી છે. ભારે વરસાદના પગલે ખંભાળિયા- સલાયા રોડ પર આવેલી નદીઓમાં ઘોડાપૂર આવી ગયા હતા.

error: Content is protected !!