કેશોદમાં આવેલ મુત્તુટ ફીનકોર્પ એકસપ્રેસ ગોલ્ડ લોન કંપનીની એક મહિલા કર્મચારી દ્વારા ગ્રાહકોએ મુકેલા સોનાના દાગીના સ્ટ્રોંગરૂમમાંથી કાઢી લઈને તે જ દાગીના ઉપર અલગ અલગ ૯ વ્યકિતઓને લોન આપીને રૂા. ૪૭ લાખનું લોન કૌભાંડ આચર્યુ હોવાનો મામલો બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર કેશોદમાં એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર બાલા બજરંગ કોમ્પ્લેક્ષમાં આવેલી મુત્તુટ ફીનકોર્પ કંપનીમાં બ્રાંચ જાેઈન્ટ કસ્ટોડીયન તરીકે ફરજ બજાવતી મનાલી પુજાભાઈ કોડીયાતર રહે. ચુના ભઠ્ઠી રોડ, વાસાવાડી પ્લોટ, કેશોદ સામે કંપનીનાં રીજીયોનલ મેનેજર હિરેનભાઈ દિલીપભાઈ મહેતા (ઉ.વ. ૪૩) રહે. રાજકોટ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મનાલીબેન છેલ્લા એક વર્ષ અને ચારેક માસથી ફરજ બજાવે છે. જેથી તેમની પાસે કંપનીની તમામ માહિતી અને સ્ટ્રોંગરૂમની ચાવી હોય તેનો ફાયદો ઉઠાવીને કંપનીને રૂા. ૪૭ લાખનું નુકશાન કર્યું છે. ગત તા. ૬ જુલાઈનાં રોજ અમદાવાદથી સિનીયર ઈન્ટરનલ ઓડીટર દિપક ગોસ્વામી ઓડીટ માટે આવ્યા હતાં. તેઓએ ફોન કરીને જણાવ્યું કે કેશોદ બ્રાંચનાં સ્ટ્રોંગરૂમમાં અલગ અલગ ૧૩ ગ્રાહકોએ મુકેલા પોતાનાં સોનાનાં દાગીનાનાં ૧૩ પેકેટ ગાયબ છે. બાદમાં બીજા દિવસે હિરેનભાઈએ આવીને બ્રાંચમાં તમામ કર્મચારીઓની પુછપરછ કરતાં જેમાં મનાલીબેને કોઈની પૂર્વ મંજુરી વગર આ ૧૩ પેકેટ કાઢી લઈને તેમનાં ઉપર અલગ અલગ ૯ વ્યકિતઓને લોન આપી દીધી હોવાની કબુલાત આપી હતી. જેથી કંપની સામે વિશ્વાસઘાત કર્યાનો પોલીસમાં ગુનો નોંધાવેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદનાં પીએસઆઈ એસ.એન. સોનારા ચલાવી રહયા છે.