ગીર-સોમનાથમાં રેડ એલર્ટની ઇફેક્ટ વર્તાઈ : સુત્રાપાડામાં ૮, તાલાલામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસી જતા ખેતરો બેટમાં ફેરવાયા, રસ્તાઓ ઉપર નદી વહેતી થઈ

0

રેડ એલર્ટની ઇફેક્ટ ગઈકાલે સવારથી ગીર સોમનાથ જિલ્લામાં વર્તાતી જાેવા મળી રહી છે. જેમાં સુત્રાપાડા શહેર-પંથકમાં ચાર કલાકમાં ૮ ઈંચ અને તાલાલામાં ૫ ઈંચથી વધુ જેવો ભારે વરસાદ વરસી ગયો છે. જ્યારે વેરાવળ- સોમનાથ, ઉના, ગીરગઢડા અને કોડીનારમાં સરેરાશ ૨ ઈંચ જેવો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે તાલાલા અને સુત્રાપાડા પંથકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયાનો જ્યારે સરસ્વતી અને હિરણ સહિતની નદીઓ ગાંડીતુર બન્યાનો નજારો જાેવા મળતો હતો. હવામાન વિભાગે બે દિવસ ગીર સોમનાથ જિલ્લા માટે રેડ એલર્ટ આપી અતિભારે વરસાદની આગાહી કરી હતી. જેની અસર વર્તાતી ગઈકાલે સવારે જિલ્લાના સુત્રાપાડા પંથકમાં જાેવા મળી હોય તેમ સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેર- પંથકમાં દસેક વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયા બાદ ચાર કલાકમાં ૮ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયેલ તો સુત્રાપાડા શહેરના કુંભારવાડા, કાનાવડલી વિસ્તાર, ભક્તિનગર, તાલુકા શાળા અને કોર્ટ ક્વાર્ટર સહિતના વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે પંથકના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે તાલાલા ગીર પંથકમાં બપોર બાદ શરૂ થયેલ મેઘસવારીએ દેધનાધન હેત વરસાવ્યુ હતુ. બપોરે બે કલાકમાં ૫ ઈંચ જેવો ભારે વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ માર્ગો પરના બેઠા પુલો ઉપર ધસમસતા પાણી વહેતા થયા હતા. જ્યારે ગીર જંગલમાંથી શરૂ થઈ તાલાલા પંથકમાંથી પસાર થઈને સોમનાથ સાંનિધ્યે પહોંચતી હિરણ નદીમાં વરસાદી પાણીની ભરપુર આવક થતા ગાંડીતુર બની વહી રહી હતી. આ નદીમાં જાેખમી રીતે પાણી વહેતુ હોવા છતાં જાંબુર ગામે સિદી બદશ સમુદાયના યુવાનો નદીના પ્રવાહમાં ન્હાતા જાેવા મળ્યા હતા. તો સુત્રાપાડામાં સતત થોડા દિવસોથી પડી રહયા બાદ આજના ધોધમાર વરસાદના પગલે ભરપુર આવકના લીધે પંથકની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. જેના લીધે નદીના પટમાં આવેલ પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી જલમગ્ન થઈ ગયુ હતુ. જાણે મેઘરાજા માધવરાય ભગવાનને જળાભિષેક કરતા હોય તેમ પુરના પાણીમાં ડુબી ગયેલ નજરે પડતા હતા. પ્રાચી તીર્થ ખાતે ક્યારેય ન બન્યુ હોય તેવું ભયાવહ પુર આ વખતે આવવાને કારણે પ્રાંચીનો મોક્ષ પીપળો પણ પાણીના વહેણમાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાચીનો મોક્ષ પીપળો જમીનના લેવલથી ૧૦ ફૂટ ઉપર આવેલ છે ત્યારે આખો ઘાટ ડુબ્યા બાદ મોક્ષ પીપળા સુધી પાણી પહોચ્યું છે. જે નિહાળી લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ રહ્યા છે. વેરાવળ-સોમનાથ, તાલાલા અને સુત્રાપાડા પંથકના લોકો અને સિંચાઈ તથા વન્યપ્રાણીઓ માટે જીવાદોરી સમાન હિરણ-૧ (કમલેશ્વર) અને હિરણ-૨ (ઉમરેઠી) ડેમમાં ભરપુર વરસાદી પાણીની આવક આજે એક જ દિવસમાં જાેવા મળી રહી છે. હાલ હિરણ-૧ ડેમ ૮૦ ટકા જેટલો તથા હિરણ-૨ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે.

error: Content is protected !!