દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન બન્યા છે અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસી ચુક્યો છે. જે પૈકી ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં તો સો ટકાથી વધુ વરસાદ પડી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા પ્રતિભારે વરસાદની ચેતવણી દર્શાવતી આગાહીની સ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરીના પગલાં માટે રાજ્ય સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ની ટીમ અલગ અલગ જિલ્લાઓ સાથે દ્વારકા જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. આ ટીમનો જામ રાવલ ખાતે કેમ્પ રાખવામાં આવ્યો છે. એન.ડી.આર.એફ.ની ટીમના ઇન્સ્પેક્ટર સંજય યાદવે જણાવ્યું કે, ભારે વરસાદની ચેતવણીના પગલે સરકાર દ્વારા એક ટીમ અત્રે ડિપ્લોય કરવામાં આવેલી આ ટીમમાં અમે ૨૪ લોકો છીએ. હાલમાં અહીં કોઈ આપદા સર્જાઈ નથી. આગામી દિવસોમાં પણ વરસાદના પગલે અહીં કોઈ મુશ્કેલી ન સર્જાય તેમજ કોઈ જાનહાની ન થાય તે માટે અમારી ટીમ સજ્જ છે. વધુમાં ઇન્સ્પેક્ટર યાદવે જણાવ્યું કે, અમે બચાવ કામગીરીના તેમજ મેડિકલ ઇમરજન્સી સર્જાઈ તો તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટેના તમામ સાધનો સાથે લાવ્યા છીએ. અમારી ટીમ પણ તમામ મુશ્કેલીઓને પહોંચી વળવા માટે સતત પ્રેક્ટિસ કરતી હોય છે. અમે અહીં તમામ વિસ્તારનો સર્વે કરી લીધો છે. હાલમાં નદીઓમાં પાણીનું સ્તર બહુ ઊંચું નહિ હોવાથી કોઈ મુશ્કેલી નથી. જાે કે, લોકોએ સાવચેત રહેવું જરૂરી છે અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જાેઈએ. વરસાદના પગલે કોઈ આપત્તિ સર્જાય તો એન.ડી.આર.એફ.ની આ ટીમ લોકોને તમામ પ્રકારે સહાયભૂત થવા સક્ષમ છે.