સોમનાથ સાંનિધ્યે મંદિર ટ્રસ્ટના પાણીના ટાંકા પાસે રહેલ એક ક્લોરીનના ગેસનો બાટલો કોઈ કારણોસર લીકેજ થતા આસપાસના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ હતી. આ લીકેજની ત્રણેક લોકોને અસર પણ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાે કે, તંત્ર દ્વારા લીકેજ થયું હોવાનું સ્વીકારી કોઈ વ્યક્તિને અસર થઈ હોવા અંગે ઈન્કાર કરી રહ્યુ હોવાથી અનેક શંકા ઉભી થઈ રહી છે. આ લીકેજની ઘટનાની જાણ થતાં ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર, મામલતદાર, પોલીસ, પાલીકા પ્રમુખ તથા ૧૦૮ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ઘટના સ્થળની આસપાસના વિસ્તાર થોડા સમય માટે કોર્ડન કરી લીકેજ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
લીકેજની આસપાસના વિસ્તારમાં અસર વર્તાઈ
વેરાવળના જાેડીયા નગર પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર તરફ જતા રસ્તા ઉપર આવેલ પીજીવીસીએલ કચેરીની બાજુમાં મંદિર ટ્રસ્ટનો પાણીનો ટાંકો આવેલ છે. ત્યાં પડેલ એક ક્લોરીનના ગેસના બાટલામાંથી અચાનક જ કોઈપણ કારણોસર ગેસનો રીસાવ થવા લાગેલ હતો. જેથી ત્યાં આસપાસમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં અને ગૂંગણામણ થવા લાગી હતી.
અધિકારી-પદાધિકારીઓ દોડી આવ્યા
આ લીકેજની જાણ થતાં ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર સર્યુબા જાટસણીયા, મામલતદાર જે.એન. શામળા, પાલીકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા તથા પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડની ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પ્રથમ ટાંકાની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લોકોની અવરજવર એકાદ કલાક જેવા સમય માટે બંધ કરી દઈ પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવેલ હતો.
રેયોન કંપનીની ટીમે લીકેજ અંકુશમાં લીધું
સ્થળ ઉપર બાટલામાંથી ક્લોરીન ગેસના લીકેજને રોકી કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા ઇન્ડીયન રેયોન કંપનીમાં રહેલ ક્લોરીન કન્ટ્રોલ અધિકારી અને તેની ટીમને બોલાવવામાં આવી હતી. આ ટીમએ સ્થળ ઉપર આવી લીકેજને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરેલ જેમાં સફળતા મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ત્રણેક લોકોને અસર થઈ
જાે કે આ લીકેજ થયેલ તે સમયે ઘટના સ્થળની આસપાસ રહેલા ત્રણેક લોકોને અસર થઈ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. જાે કે, તંત્ર દ્વારા ઘટનાનો સ્વીકાર કરેલ પરંતુ કોઈ વ્યક્તિને અસર થઈ હોય તેનો ઈન્કાર કરી રહયું હતુ. જેને લઈ અનેક શંકા કુશંકાઓ ઉભી થઈ રહી છે.