ખંભાળિયા વિસ્તારના ગૌવંશમાં લમ્પી વાયરસનો ચિંતાજનક વધારો : ગૌ સેવકો દ્વારા સારવાર

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં ગાય તથા નંદીમાં હાલ વ્યાપી રહેલા લમ્પી વાયરસ રોગચાળાએ ગૌસેવકો તથા સરકારી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. ખંભાળિયા પંથકમાં ટૂંકા સમયગાળામાં ગૌવંશમાં લમ્પી વાયરસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. આ મુદ્દે આવા પશુઓને તાકીદે જરૂરી વેક્સિન આપવામાં આવે તે માટે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. ખંભાળિયાના બેઠક રોડ વિસ્તાર નજીક તથા ધરમપુર વિસ્તારમાં તાજેતરમાં કેટલીક ગાયોને લમ્પી વાયરસનો રોગ લાગુ પડ્યો હતો. આ રોગચાળો ચેપી હોવાથી હાલ બે ડઝનથી વધુ ગાય તથા આખલાઓ આ રોગનો શિકાર બની ચૂક્યા છે. આ ગંભીર રોગચાળા સંદર્ભે અહીંના એનિમલ કેર ગ્રુપના સેવાભાવી ગૌભક્ત દેશુરભાઈ ધમા તથા અન્ય કાર્યકરો દ્વારા સેવા માટે પૂર્નઃ સક્રિય બની અને ગઈકાલે રવિવારે આશરે એક ડઝન જેટલી ગાયો તથા આખલાને અત્રે જામનગર રોડ ઉપર આવેલી અબોલ તીર્થ વેટરનેરી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને અહીં પશુચિકિત્સક ડોક્ટર આંબલીયા દ્વારા લમ્પી રોગગ્રસ્ત ઢોર માટે તૈયાર કરવામાં આવેલા અલગ વાડામાં આ પશુઓને રાખી તમામની સારવાર હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પશુઓમાં ચેપી એવા લમ્પી રોગના શિકાર અગાઉ માત્ર બે-ત્રણ પશુઓ જ ધ્યાનમાં આવ્યા હતા. પરંતુ બેઠક રોડ વિસ્તારમાં એકબીજાના સંપર્કમાં આવેલા આ રોગગ્રસ્ત પશુઓથી આવા પશુઓને સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવતા પશુપાલકો તથા ગૌ પ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ગ્રુપ દ્વારા અહીંના જિલ્લા કલેકટરને તાજેતરમાં એક લેખિત પત્ર પાઠવી, ચેપી એવા લમ્પી રોગચાળાને નાથવા પશુઓમાં વેક્સિનેશન માટે જરૂરી કાર્યવાહી કરવા ઉપરાંત આવા પશુઓને આઈસોલેટ કરવા અલગ વ્યવસ્થા માટે જરૂરી જગ્યાની ફાળવણી કરવા માંગ કરવામાં આવી હતી. જાે આ અંગે તાકીદે પગલા લેવામાં નહીં આવે તો ગૌવંશના ટપોટપ મૃત્યું નીપજવાની દહેશન પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો લમ્પીગ્રસ્ત ગાય તથા આખલાની સારવાર ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા અબોલ તીર્થ હોસ્પિટલ ખાતે મર્યાદિત સંખ્યામાં પશુઓની સારવાર સ્થાનિક તબિયત તથા સરકારી ૧૯૬૨ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તાજેતરમાં દ્વારકા પંથકમાં સેંકડો ગાય તથા બળદ આ રોગચાળાનો ભોગ બની ચૂક્યા છે અને હાલ ખંભાળિયા પંથકમાં પણ આ પરિસ્થિતિ સર્જાય તેવી સંભાવનાઓ જાેવા મળી રહી છે. જે સંદર્ભે તંત્રએ તાકીદે આવા ઢોર માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ અહીંના ગૌપ્રેમીઓ તથા ગૌસેવકોમાં ઊઠવા પામી છે.

error: Content is protected !!