દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરાપ નીકળતા રાહત : મોસમનો ૮૧ ટકા વરસાદ વરસી ગયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જિલ્લાના જુદા-જુદા ભાગોમાં હળવા તથા ભારે ઝાપટા વચ્ચે ઉઘાડ રહેતા સૂર્યનારાયણના સાનિધ્યમાં લોકોએ અને ખાસ કરીને ધરતીપુત્રોએ રાહતની લાગણી અનુભવી છે. કલ્યાણપુર તાલુકામાં શનિવારે પાંચ મિલીમીટર તથા રવિવારે ૧૧ મિલીમીટર મળીને કુલ ૧૬ મિલીમીટર, દ્વારકામાં રવિવારે સુકનવંતા છાંટા વચ્ચે બે દિવસમાં નવ મિલીમીટર, ભાણવડમાં શનિવારે છ અને રવિવારે બે મિલીમીટર જ્યારે ખંભાળિયામાં ગઈકાલે રવિવારે આખા દિવસમાં ફક્ત બે મિલીમીટર વરસાદ વરસી ગયાનું સરકારી ચોપડે નોંધાયું છે. આ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયા તાલુકાનો ૩૪ ઈંચ (૮૪૮ મિલિમિટર) સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૫ ટકા વરસી ચૂક્યો છે. આ જ રીતે દ્વારકા તાલુકામાં પણ ૨૨ ઈંચ (૫૫૩ મિલિમિટર) સાથે કુલ ૧૦૪ ટકા વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સાડા બાવીસ ઈંચ (૫૬૪ મિલીમીટર) સાથે ૬૬ ટકા અને સૌથી ઓછો વરસાદ ભાણવડ તાલુકામાં ૧૪ ઈંચ (૩૪૭ મિલિમિટર) સાથે કુલ ૪૮ ટકા નોંધાયો છે. આમ, જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૧ ટકા જેટલો વરસી જતા પાક-પાણીનું ચિત્ર હાલ ઉજળું બની રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા દિવસોના મેઘ વિરામ તથા ઉઘાડ જેવા વાતાવરણથી સૌ કોઈએ રાહતની લાગણી અનુભવી છે. ખંભાળિયા પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. તેમ છતાં પણ શહેરને પાણી પૂરૂ પાડતા ઘી ડેમમાં આશરે બે ફૂટ જેટલા નવા નિરની આવક થવા પામી છે. આમ, ૨૦ ફૂટની ઊંડાઈનો ઘી ડેમ હાલ મહદ અંશે ભરાઈ જતા હવે સામાન્ય વરસાદના પણ આ ડેમ ઓવરફ્લો થવાની પૂરી સંભાવના છે.

error: Content is protected !!