ગીર સોમનાથના નાંખડાથી પગપાળા ઘરવખરી લેવા જઇ રહેલ ખેડુત ઉપર પાછળથી દિપડાએ જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયા

0

ગીર સોમનાથના નાંખડા ગામથી ઘરવખરીની ખરીદી કરવા પગપાળા જઇ રહેલા ખેડુત ઉપર પાછળથી ઓચિંતા દિપડાએ તરાપ મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાની ખબર પડતા જ આસપાસની વાડીઓમાંથી લોકો દોડી આવી ગંભીર રીતે ઘવાયેલા ખેડુતને પ્રથમ વેરાવળમાં પ્રાથમીક ઉપચાર અર્પયા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવી રહેલ છે. આ હુમલાના સામાચાર પંથકમાં પ્રસરી જતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરેલ હતી. જયારે વનવિભાગના સ્ટાફે સ્થળ ઉપર દોડી આવી હુમલાખોર દિપડાને કેદ કરવા તજવીજ હાથ ધરી છે. જીલ્લામાં થોડા દિવસોથી પડી રહેલ સતત વરસાદ વચ્ચે પણ માનવ વસાહતવાળા વિસ્તારોમાં વન્યપ્રાણીઓના આંટાફેરા જાેવા મળી રહયા હતા. દરમ્યાન એક ખુંખાર દિપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જે અંગે જાણવા મળેલ વિગતોનુસાર જીલ્લાના વેરાવળ તાલુકાના નાંખડા ગામે રહેતા અને નજીકમાં વાડી ધરાવતા ખેડુત અરજણભાઇ વાસાભાઇ ઘરવખરીની ખરીદી કરવા માટે બપોરના સમયે નજીકમાં આવેલ ગોરખમઢી ગામ વાડીના રસ્તે પગપાળા જઇ રહયા હતા. એ સમયે રસ્તામાં અચાનક જ અરજણભાઇની પાછળથી ખુંખાર દિપડાએ તરાપ મારી છાતી, ગળા, વાસા સહિત શરીરના ભાગે નખો ભરાવી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે અરજણભાઇએ પણ હિંમતભેર સામી છાતીએ પ્રતિકાર કરતા દિપડો નાસી ગયો હતો. જાે કે, દિપડાએ હુમલો કરેલ ત્યારે અરજણભાઇની રાડારાડીનો અવાજ સાંભળીને આસપાસની વાડીમાંથી લોકો દોડી આવ્યા હતા. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા અરજણભાઇને સારવાર અર્થે વેરાવળ હોસ્પીટલએ લઇ આવેલ હતા. અહીં પ્રાથમીક ઉપચાર આપી વઘુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવેલ હતા. આ હુમલાની જાણ થતા વનવિભાગના સ્ટાફે સ્થળ ઉપર દોડી આવી ખુંખાર દિપડાને કેદ કરવા કાર્યવાહી હાથ ધરી છે. તો હુમલાના સમાચારના પગલે નાંખડા ગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા ગ્રામજનો અને ખેડુતોમાં ભયની લાગણી પ્રસરી ગઇ છે. અત્રે નોંધનીય છે કે, ચોમાસાના સમયમાં અવવારૂ સ્થળો અને જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થવા સમયે દિપડા જેવા વન્યપ્રાણીઓથી સાવધાન રહેવું જરૂરી છે. આવા વિસ્તારોમાં ગમે ત્યારે કોઇપણ સ્થળે દિપડા જેવા પ્રાણીઓ હુમલા કરવાની શકયતા રહે છે.

error: Content is protected !!