જૂનાગઢ-રાજકોટ નેશનલ હાઈવે ૮ ઉપર વડાલ ગામ નજીક નવા બાયપાસ માર્ગ માટે ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. વાહનચાલકો માટે અહીંથી પસાર કરવામાં આવેલ ડ્રાઇવરઝન માર્ગ ઉપર ખાડાનું સામ્રાજય જાેવા મળી રહ્યું છે. હજુ છ મહિના પૂર્વે જ ડ્રાઈવર્ઝન માર્ગ ઉપર ડામર પાથરવામાં આવ્યો હતો. જે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં ધોવાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અજાણ્યા વાહન ચાલક અકસ્માતનો ભોગ બને તેવો ખરાબ રોડ થઇ ગયો છે. સોમનાથ થી રાજકોટ તરફ જતા વાહનચાલકો આ માર્ગથી પસાર થતા હોય અને તે દરમ્યાન ચાર ટોલનાકા ઉપર મસમોટી રકમ ચૂકવવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય સુવિધા આપવામાં ન હોવાની વાહનચાલકો ફરિયાદ કરી રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી અહીં કામ ચાલી રહ્યું છે તેમ છતાં આ ડ્રાઇવરજન માર્ગ ઉપર હજુ છ મહિના પૂર્વે જ પ્રથમ વખત ડામર પથરાયો હતો. ત્યારે વહેલી તકે આ રસ્તાનું ફરી સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.