કેશોદ માંગરોળ તાલુકાના ઘેડ પંથક સહિત વંથલી માણાવદર, માધવપુર તાલુકા સહિતના અનેક ગામોમાં ચોમાસામાં નદિઓ ઓવર ફ્લો થવા અને નદિઓના પાળાઓ તુટવાના કારણે હજારો વિઘા જમીન તથા ખેત પેદાશોમાં મોટાપાયે નુકશાન થાય છે. વર્ષોથી આ સમસ્યા ઉદભવે છે જેની દર વર્ષે રજુઆત કરવામાં આવે છે છતાં દર વર્ષે પરિસ્થિતિ એની એ જ રહે છે. હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓઝત નદિનો પાળો તુટવાની ઘટના બની હતી. જેથી બે જીલ્લાના અનેક ગામોમાં નદિના પાણી ફરી વળ્યા હતા. હજારો વિઘા જમીનના ધોવાણ સાથે ખેત પેદાશોમાં મોટાપાયે નુકશાન થયું છે. હાલમાં પણ ઘેડના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે. લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેત પેદાશોમાં મોટાપાયે નુકશાન થાય છે. થોડા દિવસો પહેલા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદ થવાથી ઘેડ પંથકમાં પસાર થતી નદિઓના પાણી ઘેડ પંથકમાં ફળી વળ્યા હતા. જેથી ઘેડ પંથકમાં જળબંબાકાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. બિમાર દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું અને અનેક ગામોના વાહન વ્યવહાર ખોરવાયો હતો. અનેક લોકોના ઘરમાં પાણી ઘુંસી ગયા હતા જેના ઘણાં દિવસો વિતી ગયા હોવા છતાં પણ કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ તથા સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ઘેડ પંથકની મુલાકાત લેવામાં આવી નથી. તાજેતરમાં જૂનાગઢ ખાતે કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમે મીડીયા સમક્ષ એવું જણાવ્યું હતું કે, ઘેડની પરિસ્થિતિ સારી છે. ત્રીસ કિલો મીટર સુધીનું પાણી ઘેડમાં આવે છે. માધવપુર પુલ ઉપર પાટીયા ચડાવેલ હોય છે તે પાટીયા કઢાવી નાખેલ છે અને જાે પાણી ન આવે તો ઘેડ નકામું થઈ જાય. અત્યારે ખરાબો કોઈપણ ન બને, ડેમ ભરાતા પહેલાં થોડુ પાણી કાઢે અને ડેમ ભરાઈ જાય એવી સુચના આપવામાં આવી છે. અત્યારે ઘેડમાં કોઈ એવી મુશ્કેલી નથી. ઘેડમાં પાણી આવતું જ હોય, હું ઘેડમાંથી જ આવું છું, મારૂ ગામ પણ માંગરોળમાં ઘેડ જ છે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જે બાબતે કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તારમાં કેશોદના ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે સોશ્યલ મીડિયામાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને લોકો અવનવી કોમેન્ટ સાથે ઘેડ પંથકની પરિસ્થિતિ વર્ણવી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમે તા.૧૮ના રોજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેટરપેડ દ્વારા જણાવ્યું હતું કે, મારા મત વિસ્તાર કેશોદ અને માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં વધુ વરસાદને કારણે પુર આવવાથી ઉપરવાસમાં ઓઝત, સાબલી, મધુવંતી નદીઓમાં ઘોડાપુર આવવાના કારણે સ્ટેટ તથા પંચાયતના ડેમોના દરવાજા તેમજ અનેક જગ્યાએ નદિઓના પાળા તુટવાથી નીચાણવાળા વિસ્તારોમાં પુર આવવાથી જમીન ધોવાણ થયેલ હોય તેમજ ખેડૂતોના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. ઉકત બાબતે મારા મતવિસ્તારના તમામ ગામનો સર્વે કરી જરૂરી ઘટીત કાર્યવાહી કરવા મારી આપને ખાસ અંગત ભલામણ સહ વિનંતી છે. કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ એક તરફ મીડીયા સમક્ષ એવું નિવેદન આપેલ છે કે, ઘેડમાં પરિસ્થિતિ સારી છે. ઘેડમાં એવી કોઈ મુશ્કેલી નથી, જ્યારે બીજી તરફ કૃષિ મંત્રીને લેટરપેડ દ્વારા રજૂઆત કરી જમીન ધોવાણ ખેડૂતોના ઉભા પાકમાં નુકશાન થયું તેનો સર્વે કરી જરૂરી ઘટતી કાર્યવાહી કરવા જણાવે છે. ત્યારે હાલ સોશ્યલ મીડિયામાં કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે સોશ્યલ મીડિયામાં અવનવી ઢગલાબંધ કોમેન્ટો સાથે મતદારો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. જમીન અને ખેત પેદાશોમાં મોટાપાયે નુકશાન થયું છે. નદિઓના પાળાઓ તુટવાના બનાવો બન્યા છે. ત્યારે કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ રમેશભાઈ ધડુક કે અન્ય સરકારી તંત્રએ ઘેડ પંથકની મુલાકાત લીધી ન હોય જે બાબતે પણ લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ઘેડ પંથકમાંથી દર વર્ષે ધારાસભ્ય સાંસદ સહિતને દર વર્ષે રજુઆત કરવામાં આવે છે. સરકાર સુધી રજુઆત પહોંચે છે છતાં સરકાર દ્વારા ઘેડ પંથકના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા કામગીરી થઈ નથી. ઘેડ પંથકમાં નદિઓ ઉંડી પહોળી અને નદિઓના વારંવાર તુટતા પાળાઓના પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવી કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે જેથી દર વર્ષે સરકાર અને ખેડૂતોને થતી નુકશાની વેઠવી ન પડે તેવું આયોજન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે વર્ષોથી ઘેડ પંથકના પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે કે હજુ ઘેડ પંથકના લોકોએ વર્ષો સુધી રાહ જાેવી પડશે તે આવનારો સમય જ બતાવશે.