ગીર સોમનાથ જિલ્લામાં પડેલ ભારે વરસાદ વચ્ચે ‘MAY I HELP YOU’ ના સૂત્રને સાર્થક કરતી પોલીસના દ્રશ્યો સામે આવ્યા

0

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં પડેલ સતત ભારે વરસાદ વચ્ચે લોકોને પડી રહેલ મુશ્કેલીના સમયે પડખે આવીને જિલ્લા પોલીસ તંત્રએ ‘MAY I HELP YOU’ નું સુત્ર ખરા અર્થમાં સાર્થક કરતી કામગીરી જાેવા મળી છે. જેમાં જિલ્લાના નેશનલ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાઓએ પાણી ભરાવવા અને ખાડા પડી ગયેલ હોવાથી વાહન વ્યવહાર થંભી ગયેલ હતો. એવા સમયે પોલીસ સ્ટાફે દોડી જઈ વરસતા વરસાદમાં બંધ પડેલા વાહનોને ધક્કો મારી બહાર કાઢવામાં તથા અમુક રસ્તાઓ ઉપર વૈકલ્પિક રસ્તો કરી ચાલકોની મદદ કરતા દ્રશ્યો સામે આવ્યા છે. ઘણા દિવસોની મેઘસવારીના પગલે જિલ્લામાં રસ્તાઓ અને બેઠા પુલોનું ધોવાણ થતા વાહન વ્યવહાર બાધિત થયેલ ત્યારે પોલીસ સ્ટાફે મદદે દોડી જઈ મદદ કરી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ફાટક પાસે ટ્રાફિકથી ધમધમતા એવા વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે ઉપર વરસાદનું પાણી ભરાવાના કારણે અનેક વાહનો પાણીમાં ફસાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જેની જાણ થતા પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસના જવાનોને તુરત જ વરસાદ વચ્ચે તાત્કાલિક ફાટક પાસે પહોંચીને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા ભરાયેલા પાણીના કારણે ફોરવ્હીલ તથા ટ્રક જેવા મોટા વાહનો બંધ થઈ ગયા હતા. આ તમામ બંધ પડેલા વાહનોને ટ્રાફિક પોલીસના જવાનો અને લોકોએ ધક્કા મારી અને બહાર કાઢ્યા હતા. જેના પગલે હાઈવે ઉપરનો વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
જ્યારે ગીરગઢડા પંથકના સનવાવ-આલીદર રોડ પાસે આવતા રસ્તો ભારે વરસાદના કારણે ધોવાય ગયેલ હોવાથી લોકોને પસાર થવું મુશ્કેલ બન્યુ હતુ. જેની જાણ થતાં ગીરગઢડા પોલીસના પીએસઆઈ જગદીશ ડાંગર સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. બાદ ગ્રામજનોની સાથે મળીને ધોવાઇ ગયેલ રસ્તા ઉપર પથ્થરો નાખવામી કામગીરી શરૂ કરાવી હતી. એ સમયે એક દંપતી તેના બાળક સાથે ત્યાં પહોંચતા પોલીસકર્મીઓએ મદદે આવી તેમની સાથે ત્રણેયને વૈકલ્પિક રસ્તો બનાવી આગળ લઈ જવામાં મદદરૂપ બન્યા હતા. જ્યારે ગીરગઢડા શહેર-પંથકમાં મોટી સંખ્યમાં રોજે રોજનું કમાઈને ખાતા મજુરી કરતા વર્ગના લોકો રહે છે. ત્યારે હાલના અવિરત વરસાદી વાતાવરણના કારણે જનજીવન અસ્ત – વ્યસ્ત થયું હોવાથી આ વર્ગના લોકોની મજુરી બંધ થઈ જતા પેટનો ખાડો ભરવો મુશ્કેલ બન્યો હતો. જેની જાણ થતા ગીરગઢડાના પોલીસકર્મીઓ દ્વારા આવા જરૂરીયાતમંદ લોકોની વ્હારે આવી ભોજન-પાણીની વ્યવસ્થા કરી હતી. તેમજ સીમાસી ગામે ગુલાબ નાથાભાઈ મકવાણાને પેરાલીશીસ ની બીમારી વચ્ચે વરસાદી માહોલના લીધે ઘરની આવક બંધ થઈ જતા મુશ્કેલીમાં મુકાયા હતા. જેની જાણ ગ્રામજનો તથા પોલીસ સ્ટાફ દવારા તાત્કાલીક આર્થિક મદદ કરવામાં આવેલ હતી. આમ ભારે વરસાદ વચ્ચે પણ ગીરગઢડા સહિત જિલ્લા પોલીસે માનવતા મહેકાવતી ફરજ બજાવ્યાના કિસ્સા અને દ્રશ્યો સામે આવ્યા છે.

error: Content is protected !!