વેરાવળમાં ધંધા માટે માલ-સમાનની ખરીદી કરવા વ્યાજે લીધેલ નાણાં બાબતે હેરાન કરતા બે વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા ગટગટાવી

0

વેરાવળમાં ઉંચા દરે નાણાં આપી વ્યાજ વસુલવા વેપારીને ત્રાસ આપતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીએ ધંધાની જરૂરીયાત ઉભી થતા વ્યાજે નાણાં લીધેલ જે રકમ વસુલવા બે વ્યાજખોરો ધમકી આપી ત્રાસ આપતા હતા. જેથી કંટાળી ગયેલ વેપારીએ ઝરી દવા પી લેતા સારવારમાં ખસેડેલ હતા. આ અંગે પોલીસે વેપારીની ફરીયાદના આધારે તાલુકાના સીમાર ગામના બંને વ્યાજખોરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં ગાયત્રી મંદિર પાસે રહેતા યોગેશભાઇ વેલજીભાઇ ચાંદેગરા પ્રજાપતી (ઉ.વ.૪૦) બસ સ્ટેશન રોડ ઉપર ઓમ સર્જીકલ નામની દુકાન ધરાવતા અને દવાનો હોલસેલનો વેપાર ધંધો કરે છે. તેમને આજથી નવેક મહિના પહેલા દુકાનનો માલસામાન લેવા નાણાંની જરૂરીયાત ઉભી થતા તેમના પરિચીત સીમાર ગામના સુરેશભાઇ ડોડીયા પાસેથી રૂા.૧.૫૦ લાખ ત્રણ ટકા વ્યાજે લીધેલ હતા અને તેની સામે એચડીએફસી બેંકનો ચેક આપેલ હતો. ત્યારબાદ વધુ નાણાંની જરૂરીયાત ઉભી થતા સીમારના જ જયેશભાઇ ડોડીયા પાસેથી રૂા. પાંચ લાખની રકમ ત્રણ ટકા વ્યાજે લીધેલ તેમને પણ ચેક આપેલ હતો. બાદમાં પિતાજીને કોવિડની બીમારી થતા નાણાંની જરૂરીયાત ઉભી થતા જયેશભાઇ પાસેથી વધુ રૂા. ૪ લાખ પાંચ ટકા વ્યાજે લીધેલ જેની સામે પ્રોમીસરી નોટ પણ લખી આપેલ હતી. બાદ વેપારી યોગેશભાઈ પાસેથી બંને શખ્સો દર મહિને નિયમીત રીતે વ્યાજ લઇ જતા હતા. દરમ્યાન સુરેશભાઇ પાસેથી લીધેલ રૂા.૧.૫૦ લાખની ૨કમ તા.૨૦ જુનના આપવાનું નક્કી થયેલ હતુ. પરંતુ તેમના સ્વજન મનસુખભાઇનું મૃત્યુ થવાથી આપી શકેલ નહીં. જેથી યોગેશભાઈને બંનેએ ફોન કરી જેમ ફાવે તેમ બોલી રકમની ઉઘરાણી કરતા હતા. આ સાથે જયેશભાઇ ડોડીયાએ પણ રૂા.પાંચ લાખ આપવા દબાણ કરી ધમકીઓ આપી રહ્યા હતા. આમ બંને અવાર-નવાર હેરાન પરેશાન કરતા હોવાથી વેપારી યોગેશભાઈએ કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી લીધેલ હતી. જેથી તેમને વેરાવળ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડેલ જતા. જ્યાં સારવાર બાદ સ્વસ્થ થઈ પછી આ મામલે વેપારી યોગેશભાઈએ સીમારના સુરેશ ડોડીયા અને જયેશ ડોડીયા સામે ઉપરોક્ત વિગતો સાથેની ફરીયાદ આપતા પોલીસે આઈપીસી કલમ ૫૦૬(૧), ૫૦૭, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!