પાકિસ્તાન જેલમાં બંદીવાન ગીર સોમનાથ જીલ્લાનાં માછીમારનું બિમારી સબબ બાર દિવસ પહેલાં મૃત્યું થયું

0

પાકિસ્તાન જેલમાં બંદીવાન ૬૪૦ થી વધુ ભારતીય માછીમારો પૈકીના ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામના માછીમારનું બિમારી સબબ પાકિસ્તાનની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન બાર દિવસ પહેલા મૃત્યું થયું હોવાના સમાચાર ચિઠી મારફત મળતા મૃતક માછીમારના પરીવાર ઉપર આભ તુટયું હોય તેમ ગમગીની પ્રસરી ગઇ હતી. આ ચીઠ્ઠી દાંડી ગામના પાકિસ્તાન જેલમાં બંદીવાન માછીમારે લખી વોટસઅપના માધ્યમથી મોકલેલ હતી. જેમાં બંદીવાન ભારતીય માછીમારોને મુકત કરાવવા ભારત સરકારને હસ્તક્ષેપ કરવા દર્દભર્યા શબ્દોમાં લાગણી વ્યકત કરી છે. તો ચીઠ્ઠીના સમાચાર માછીમાર સમાજમાં પ્રસરતા માછીમારોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. પાકિસ્તાન જેલમાં ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના વધુ એક ભારતીય માછીમારે દમ તોડયાના સમાચારથી માછીમાર સમાજમાં શોક પ્રસરેલ છે. તો આ અંગે જાણવા મળેલ વિગત મુજબ ઉનાના દાંડી ગામના પાકિસ્તાનની લાડી જેલમાં બંદીવાન માછીમારે દર્દભર્યા શબ્દોમાં કથની વર્ણવતી એક ચિઠી તેમના પરીવારજનોને મોકલી હતી. જે અંગે બંદીવાન માછીમારના કુટુંબી લક્ષ્મીબેને જણાવેલ કે, અમારા સ્વજન સહિતના માછીમારો ત્રણ-ચાર વર્ષ પહેલા માછીમારી કરવા ગયેલ હતા તે સમયે પાકિસ્તાન મરીન સીકયુરીટીવાળાઓ અપહરણ કરી સાથે લઇ જઇ ત્યાંની જેલમાં કેદ કરી દીધા હતા. બાદ થોડા દિવસો અગાઉ ત્યાંની જેલમાં કેદમાં રહેલ અમારા સબંધી એવા ગરાળ ગામના માછીમાર કાળાભાઇ શિયાળ બિમાર પડતા તેમને સારવાર અર્થે દવાખાને લઇ ગયેલ જયાં તેનું સારવાર દરમ્યાન તા.૬ જુલાઇના રોજ મૃત્યું થયું હતું. આ ઉપરાંત ત્યાંની જેલમાં બંદીવાન પૈકીના અમુક ભારતીય માછીમારો બિમાર હોય આપ સરકારને રજુઆત કરો જેથી મૃતક માછીમારનો મૃતદેહ વ્હેલીતકે ભારત લઇ આવે અને અહીં રહેલા બિમાર માછીમારોને પણ મુકત કરાવે તેમ જણાવેલ હતું. આ દર્દભરી ચીઠ્ઠીના શબ્દો વાંચી દાંડી ગામના માછીમારના પરીવારજનોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગેલ અને જાણે આભ ફાટયુ હોય તેવી ગમગીની પ્રસરી ગઇ હતી. જયારે આ ચીઠીમાં આવેલ દર્દભર્યા સમાચારની જાણ ગરાળ ગામના મૃતક માછીમારના પરીવારજનોને કરાતા તેના પત્ની, બાળકો સહિતનાઓ ચોધેર આંસુઓએ રડી શોકમાં ગરકાવ થઇ ગયા હતા. દાંડી ગામના ૬૦૦ થી વધુ લોકો માછીમારી વ્યવસાથ કરે છે. જે પૈકીના ૩૫ જેટલા માછીમારો હાલ પાકિસ્તાન જેલમાં કેદ છે. ત્યારે પાકિસ્તાનની જેલમાંથી આવેલ ચીઠીના સમાચાર પ્રસરી જતા નાના એવા દાંડી અને ગરાળ ગામમાં સોપો પડી ગયા હતો.
બંદીવાન માછીમારના પત્ની બશીબેને જણાવેલ કે, મારા પતિ સહિત અમારા ગામના ૩૫ અને પંથકના અનેક માછીમારો ચાર વર્ષથી પાક. જેલમાં કેદ હોવા છતાં બંદીવાન ભારતીય માછીમારોને મુકત કરાવવા સરકાર કોઇ કાર્યવાહી કરતી ન હોવાથી છુટતા નથી. અમારા પરીવારજનો પેટનો ખાડો પુરવા માટે માછીમારી કરવા ગયેલ ત્યારે પાકિસ્તાનવાળા પકડી ગયેલ હતા. જેને છોડાવવા અંગે અનેકવાર ભારત સરકારને રજુઆતો કરી હોવા છતાં તંત્ર ગંભીર બનીને કોઇ કાર્યવાહી કરતુ ન હોવાથી અમારા માછીમાર ભાઇઓ ચાર-ચાર વર્ષથી પાકિસ્તાન જેલની કેદમાંથી છુટતા નથી. જેના કારણે અમારે પરીવારનું ભરણ પોષણ કેમ કરવુ તે એક મુશ્કેલી ઉભી થઇ છે. અમો વડાપ્રધાન શ્રી મોદીને અનેક લેટરો લખ્યા હોવા છતાં તેનું કંઇ પરીણામ મળ્યું નથી. અમારા માછીમારો ચાર-ચાર વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે ત્યારે અમારે અમારા માણસો જાેઇએ. અમારે સહાય જાેતી નથી. બંદીવાન માછીમારના કુટુંબી દેવુબેને જણાવેલ કે, અમારા ભાઇના મોબાઇલમાં વોટસઅપમાં ચિઠી આવતા તેના મારફત અમોને જાણ થઇ હતી. આ ચીઠ્ઠી મળે એટલે પ્રત્યુતર આપવા અમારા કેદમાં રહેલા સ્વજને જણાવ્યુ હતું. બંદીવાન માછીમારોને મુકત કરાવવા સરકારને રજુઆત કરવા ચીઠીમાં જણાવેલ છે. તો આ તકે માછીમાર સમાજની મહિલાઓએ સરકાર અમારી રજુઆતો સાંભળતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. બંદીવાન માછીમારોને સરકાર દ્વારા અપાતુ વળતર પણ અમોને ન મળતુ હોવાનો આક્ષેપ કર્યો હતો. આના કારણે માછીમારોના પરીવારજનોની પરિસ્થિતિ કફોડી બની ગઇ છે. ત્યારે ભારત માછીમાર સમાજની લાગણી મુજબ માછીમારોને છોડાવવા સરકાર દખલગીરી કરે અને માછીમારના મૃતદેહને વ્હેલીતકે વતનમાં લાવે તેવી માંગણી હોવાનું આક્રોશભેર જણાવ્યું હતું.

error: Content is protected !!