ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરમાં ગાંજાનું વેંચાણ થતું હોવાની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને મળેલ બાતમીના આધારે ટીમે બંદરની કંડલા સોસાયટી વિસ્તારના એક રહેણાંક મકાન ઉપર દરોડો પાડતા પાંચ કિલ્લો ૩૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો ભરેલ બાચકું મળી આવ્યુ હતું. આ ગાંજાનું મકાનનો કબ્જેદાર પરપ્રાંતીય શખ્સ જ વેંચાણ કરતો હોવાનું સામે આવતા તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરોડામાં મળી આવેલ ગાંજાનો જથ્થો સહિત અડધા લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા થોડા સમયમાં ગુજરાતમાં નશાદ્રાવ્યક પદાર્થોની હેરાફેરી વધી હોવાથી યુવાધન નશામાં ડુબી રહ્યુ છે. ત્યારે આ ગેરકાયદેસર હેરાફેરીને રોકવા પોલીસ વિભાગે પણ કમ્મર કસી છે. ત્યારે જિલ્લાની બ્રાન્ચે મોટી માત્રામાં ગાંજાે પકડેલ છે. જેની પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા સુત્રાપાડા બંદરમાં પ્રતિબંધિત ગાંજાનું વેંચાણ થતું હોવાની એસઓજીના લખમણ મેતા અને મેહુલસિંહ પરમારને ખાનગી બાતમી મળી હતી. જેના આધારે એસઓજીનાં પીઆઈ એસ.એલ. વસાવાએ સ્ટાફ સાથે બંદરની કંડલા સોસાયટીમાં રહેતા મુળ બિહારના આરા જિલ્લાના લક્ષ્મણ પુર ગામના વતની રામબાબુ શંકરપ્રસાદ મહોતાના રહેણાંક મકાન ઉપર દરોડો પાડેલ હતો. તેના મકાનમાં સ્ટાફે તપાસ કરતા એક રૂમમાં સફેદ કલરના પ્લાસ્ટીકના બાચકાની અંદર ઓરેન્જ કલરની થેલીમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવેલ હતો. જેનો વજન કરાવતા પાંચ કિલ્લો ૩૭૦ ગ્રામ થયેલ હતો. આ સાથે એક ઇલેક્ટ્રીક વજન કાંટો અને મોબાઈલ મળી આવેલ હતો. આમ દરોડામાં પોલીસે મળી આવેલ ગાંજાના જથ્થા સહિત કુલ રૂા.૫૪,૪૦૦નો મુદામાલ જપ્ત કરવાની સાથે આરોપીની અટકાયત કરી હતી. આ મામલે સુત્રાપાડા પોલીસમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાવેલ હતો.
આ અંગે એસઓજીનાં પીએસઆઈ વી.આર. સોનારાએ જણાવેલ કે, દરોડામાં પકડાયેલ પરપ્રાંતીય શખ્સ રામબાબુ મહોતાની પુછપરછ કરતા તે છેલ્લા પચ્ચીસેક વર્ષથી સુત્રાપાડા બંદરમાં રહે છે અને જીએચસીએલ કંપનીમાં લેબર તરીકે કામ કરે છે. બે માસ અગાઉ તેના સંતાનોના લગ્નપ્રસંગ અર્થે બિહાર ગયેલ હતો. ત્યારે ત્યાંથી ગાંજાનો જથ્થો પહેલીવાર લઈ આવી વેંચાણ કરી રહ્યો હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે. આ શખ્સે અગાઉ ક્યારેય ગાંજાનું વેંચાણ કરેલ છે કે કેમ ? અત્યાર સુધીમાં કેટલા ગ્રામ ગાંજાનું વેંચાણ કર્યુ તે બાબતે આગળ તપાસ હાથ ધરી છે.