ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ, સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિર્સિટિ એમ કુલ છ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમમાં હવે દાખલ કરી શકાશે. રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે નીતિ આયોગનાં વરિષ્ઠ સલાહકાર(કૃષિ) ડો. નીલમ પટેલ, યુનિવર્સિટીનાં કુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાંતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પ્રાકૃતિક કૃષિનાં અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. રાજયપાલે આ સંદર્ભે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિનો કોલેજ કક્ષાનો આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોએ આંતરમનથી ઉંડું ચિંતન કરીને ભારે પરિશ્રમ કર્યો છે. આ અભ્યાસક્રમમાં પ્રાંચીન કાળથી લઈને અત્યાર સુધીનાં તમામ વિષયોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક કિસાનોનાં વિસ્તૃત અનુભવનો પણ સમાવેશ વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભોનો પણ આધાર લેવામાં આવ્યો છે. આ માટે તેમણે સમિતિનાં તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતમાં બીએસસી(એગ્રીકલ્ચર)માં પ્રાકૃતિક ખેતીનો વિષય અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે. એમએસસી પ્રાકૃતિક કૃષિ ઉપર કરી શકાશે. આ ઉપરાંત ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત યુનિવર્સિટી અને પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરી શકાશે. ત્રણ મહિનાનાં આ સર્ટિફિકેટ કોર્સમાં કોઈપણ ખેડૂત કે કોઈપણ વ્યકિત પ્રવેશ મેળવી શકે એવું આયોજન કરશે. આ બેઠકમાં ગુજરાતનાં કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, રાજયપાલનાં પ્રિન્સિપલ સેક્રેટરી રાજેશ માંઝુ, સમિતિનાં સભ્ય સચિવ ડો. યશવંતસિંહ પરમાર વિશ્વવિદ્યાલય, નોૈની, હિમાચલ પ્રદેશનાં કુલપતિ ડો. રાજેશ્વર ચંદેલ, વિષય નિષ્ણાંત ડો. બલજીતસિંહ સહરાન, ડો. સુનીતા પાંડે, ડો. સુભાષ વર્મા, આશીષ ગુપ્તા તેમજ યુનિવર્સિટીનાં કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.